ખેડા જિલ્લામાં ખનનમાં ગેરરીતિ પકડાતા ભૂસ્તર વિભાગની કાર્યવાહીની તજવીજ
- બ્લેક ટ્રેપ મામલે 10 થી 30 હજારનો દંડ કરાય તેવી શક્યતા
- ઠાસરા, ગળતેશ્વર અને કપડવંજ તાલુકાના 9 લીઝ ધારકો વિરૂદ્ધ પીજી પોર્ટલમાં ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું
ખેડા જિલ્લામાં પાલી, અકલાચા, અંઘાડી, રૂસ્તમપુરા ખાતે વિવિધ બ્લેટ ટ્રેપની લીઝો આવેલી છે. જેમાં ૯ લીઝ ધારકોના નામ અને તેમની લીઝના સર્વે નંબર સહિતની વિગતો ભૂસ્તર વિભાગમાં રજૂ કરી આ લીઝમાં ગેરરીતિ ચાલી રહી હોય અને સરકારી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાતો હોવાની નાગરિકે પીજી પોર્ટલ પર ફરીયાદો કરી હતી. તો કપડવંજમાં રેતીની એક લીઝ અંગે પણ ફરીયાદ ઉઠી હતી. આ સમગ્ર મામલે ભૂસ્તર વિભાગના અધિકારીના નેજા હેઠળ રોયલ્ટી ઈન્સપેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા તાજેતરમાં તમામ બ્લેક ટ્રેપની લીઝ પર અને રેતની લીઝ પર તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઈસીના નિયમોનો ભંગ થતો જણાયો હતો. તેમજ હદ સીમા દર્શાવતા બોર્ડ અને નિશાની લગાવી ન હોય ઉપરાંત સર્વે નંબરની આસપાસની અન્ય જમીનોમાં ખોદકામ કર્યુ હોવાનું પણ જણાયું હતું. જેથી સમગ્ર મામલે તમામ બાબતોની નોંધ કરી અને ખાણ-ખનીજ વિભાગે તમામ લીઝ ધારકોને નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે
પ્રારંભીક તબક્કે મળતી માહિતી મુજબ નિયમોનો ભંગ કરવા બદલ ૧૦ હજારથી માંડી અને ૩૦ હજાર રૂપિયા સુધી દંડ ફટકારાય તેવી શક્યતાઓ છે. જો કે, ભૂસ્તર વિભાગ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી કરાય તો તમામ લીઝલોક કરવાથી માંડી અને લાખો રૂપિયાનો દંડ વસુલી શકાય તેમ હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે.