માતર તાલુકાના ગામમાં પરિણીતાને કુવામાં ધક્કો મારી યુવકે પણ ઝંપલાવ્યું
- લીંબાસી પોલીસ મથકે યુવક વિરૂદ્ધ ફરિયાદ
- એક તરફી પ્રેમમાં પાગલ યુવાનનું કારસ્તાન ગ્રામજનોએ દોરડાથી બંનેને બચાવ્યા
નડિયાદ : માતર તાલુકાના એક ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાને કુવામાં ધક્કો મારી પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. યુવકે પરિણીતાને કુવામાં ડુબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. બૂમાબૂમ થતા સ્થાનિક લોકોએ યુવક અને યુવતીને દોરડાથી બહાર કાઢી બચાવી લીધા હતા. આ બનાવ અંગે લીંબાસી પોલીસ મથકમાં પરિણીતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
માતર તાલુકાના એક ગામમાં પરિણીતા ગૌરી વ્રત કરવા પિયરમાં ગઈ હતી. તા.૨૨મીની સવારે પરિણીત યુવતી પોતાની બહેનો અને અન્ય યુવતીઓ સાથે શિવજીના મંદિરે પૂજા કરવા જતી હતી. ત્યારે ગામમાં રહેતો યુવાન એક તરફી પ્રેમ કરતો હોવાથી મોટરસાયકલ લઈ તેની પાછળ પાછળ ગયો હતો. પ્રાથમિક શાળા નજીક છેડતી કરી પરિણીતાને કુવામાં ધક્કો મારી દીધો હતો. બાદમાં યુવક પણ કુવામાં પડયો હતો. કુવામાં પડેલા યુવકે પરિણીત યુવતીને પાણીમાં ડૂબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીને તરતા આવડતું હોવાથી પાણીની પાઇપ પકડી લીધી હતી. આ ઘટનામાં બુમાબુમ થતા ગામના લોકોએ દોડી જઈ કુવામાં દોરડું નાખી યુવક અને યુવતીને બહાર કાઢી બચાવી લીધા હતા. આ બનાવ અંગે પરિણીતાએ લીંબાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્દ્ર રૂમાલભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.