લીંબાસીની મીલમાં રૂા. 80 લાખની ઉચાપત કરનારા શખ્સો ભૂગર્ભમાં
- પોલીસ પુરાવા એકત્ર કરતી હોવાનો દાવો
- પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો અને પૂછપરછ બાદ આરોપી ભાગી ગયો હોવાના આક્ષેપ
લીંબાસી ગામે આવેલી યોગી કૃપા રાઈસ મીલના મહેતાજી આશિષ અશોકભાઈ પટેલે હિસાબોના ચોપડાઓ તથા નાણાકીય વ્યવહારોમાં ચેડા કરી પોતાના પિતરાઈ ભાઈ હિરેન પટેલ સાથે મળી મીલમાંથી કુલ રૂ.૮૦,૦૧,૦૦૦ની ઉચાપત કરી હતી. ઓડિટ તપાસમાં સમગ્ર હકિકત સામે આવતા રાઈસ મીલના માલિક જીજ્ઞોશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે મહેતાજી અને તેના ભાઈ વિરૂદ્ધ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે રાઈસ મીલના માલિકે આક્ષેપ લગાવ્યા હતા કે, આશીષ અને હિરેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા માટે લીંબાસી પોલીસ મથકે ત્રણ દિવસ રાહ જોવડાવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ દાખલ કરતા પહેલા જ પોલીસ દ્વારા આશિષની પુછપરછ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે પોલીસની સાથે હતો, જોકે, રૂ.૮૦ લાખની ઉચાપતની ફરિયાદ બાદ આશિષ ગુમ થઈ ગયો છે. પોલીસ હજૂ તેને શોધી શકી નથી. પોલીસ શખ્સને પુરાવાનો નાશ કરવા માટેનો સમય આપી રહી છે અને રાજકીય દબાણને વશ થઈ હજૂ સુધી અટકાયત કરી ન હોવાના આક્ષેપ લગાવ્યા છે. જ્યારે સામા પક્ષે પોલીસે આરોપીઓને પકડવા અને પુરાવા એકત્ર કરવાના પ્રયત્નો કરતી હોવાનો દાવો કર્યો છે.
આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે : લીંબાસી પીએસઆઈ
આ અંગે લીંબાસી પીએસઆઈ દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ફરિયાદી તેમની રાઈસ મિલના પૂરતા કાગળો અને જરૂરી દસ્તાવેજો સહિત સંબંધીત રજિસ્ટરોની નકલો આપે તે પછી ફરિયાદ નોંધાય તે સ્વાભાવિક છે. હવે ફરિયાદ ઓનલાઈન આવી જાય છે, જેથી કોઈ શખ્સો આ ફરિયાદ નોંધાયાનું જાણ્યા બાદ ક્યાંક ભાગી ગયા હોઈ શકે. પોલીસે આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ પુરાવા એકત્રિત કરવા માટે પણ તમામ પ્રયત્નો ચાલી રહ્યાં છે.