કપડવંજની મોટી ઝેરમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને હાલાકી
- ગામના ત્રણ વાસમાં સમસ્યા સર્જાઈ
- સ્મશાનનો રોડ નથી, સ્ટ્રીટલાઈટો બંધ અને મહત્વના પાણીના પ્રશ્ને ગ્રામજનોમાં પણ રોષ
કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામમાં વણકર, દેવીપૂજક અને પંડયા વાસોમાં પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટોની સુવિધાના અભાવે ત્રણે વાસના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ સ્મશાનમાં જવાનો રસ્તો પણ નથી જેના લીધે મરણપ્રસંગે ડાઘૂઓ સહિત સ્વજનો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ત્યારે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળતું ન હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.
આ બાબતે ગામના સરપંચ દિનેશભાઈએ જણાવ્યું હતું કે, સ્મશાન તરફના રસ્તાનો ખર્ચ અંદાજે ૧૫ લાખ રૂપિયા જેટલો થાય તેમ હોવાથી ભંડોળના અભાવે તે હાલ શક્ય નથી, મુખ્ય બજારમાં જ સ્ટ્રીટ લાઈટ લગાવવી તેમજ ફળીયા વિસ્તારમાં લાઈટો જીઈબીના એન્જિનિયર દ્વારા બંધ કરવાની સૂચના અનુસાર બંધ રાખવામાં આવી છે.
તેમજ બે મોટરો ચાલુ કરી દીધી છે, પરંતુ પાણીના તળ નીચા હોવાથી પાણી ઓછું આવે છે. ઉપરાંત મંજૂર થયેલો નવો બોર ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.