ઠાસરામાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે શતામૃત આમંત્રણ રથ કઢાયો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ઠાસરામાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે શતામૃત આમંત્રણ રથ કઢાયો 1 - image


- અગાઉની ઘટનાને ધ્યાને લઈ ખેડા એસપીનો નિર્ણય

- સિનિયર પીએસઆઈએ રથનો કબજો લીધો ડીજેના તાલે ભક્તો રથયાત્રામાં જોડાયા

ઠાસરા : ખેડાના ઠાસરામાં શનિવારે સવારે લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર શતામૃત મહોત્સવનો રથ કાઢવામાં આવ્યો હતો. 

કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુરના શતામૃત મહોત્સવને લઈને કાઢવામાં આવેલો આમંત્રણ રથ શનિવારે સેવાલિયા, અંઘાડી, અંબાવ અને બનધરપુરા ગામ થઈને સવારે ૧૧ વાગ્યે ઠાસરા ગામે આવી પહોંચ્યો હતો. રથ ઠાસરા પહોંચતા જ ઠાસરા પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઇ બારોટે રથનો કબજો લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલવે સ્ટેશન થઈ ભાથીજી મંદિર, રામચોક, ટાવર બજાર થઈને હોળી ચકલા લાવવામાં આવ્યો હતો. જ્યાં દાદાની આરતી કરીને રથને પરત મહાદેવવાળું ફળિયું, ચોરાવાળા ફળિયા થઈ પુષ્પાંજલી તરફ લઈ જવાયો હતો.

શહેરમાં તાજેતરમાં શિવજીની સવારી ઉપર પથ્થરમારાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ રથને મુસ્લિમ સમાજના રહેઠાણો તરફ જવા દેવામાં આવ્યો નહોતો. તાજેતરની ઘટનાને ધ્યાનમાં લઇ ખેડા જિલ્લાના એસ.પી. રાજેશ ગઢિયાની સીધી સૂચનાથી આ રેલીમાં પોલીસ વિભાગે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ૪૫ પોલીસ જવાનો સાથે હિન્દુ વિસ્તારોમાં ડીજેના તાલે આશરે ૧,૦૦૦ લોકો સાથે ઠાસરાની બજારમાં રથને વિચરણ કરાવવામાં આવ્યું હતું. બપોરે ૧૨ વાગ્યે રથ ડાકોર તરફ રવાના થતા બજારો ખુલી હતી. 


Google NewsGoogle News