Get The App

ઠાસરા પાલિકામાં નાળા પરના રોડનું લેવલિંગ ન કરાતા ૧૫ ગામોને હાલાકી

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
ઠાસરા પાલિકામાં નાળા પરના રોડનું લેવલિંગ ન કરાતા ૧૫ ગામોને હાલાકી 1 - image


- ઈન્દિરાનગરીથી પીપલવાળા તરના રોડ પર પરેશાની

- અહીંથી પસાર થતા વાહન ચાલકો શારીરિક ઈજાઓ થવા સાથે વાહનોમાં નુકસાની વેઠવા મજબૂર

ઠાસરા : ઠાસરા પાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંદૂ પાણી કાંસમાં નાખવા માટે રોડ તોડી નાળું નાખવામાં આવ્યું હતું. જ્યાં યોગ્ય લેવલિંગ કે રિપેરિંગ નહીં કરાતા મોટા ખાડા પાડી ગયા છે. જેના લીધે અહીંથી પસાર થતા ૧૫થી ગામના લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે સત્વરે રોડનું યોગ્ય રિપેરિંગ કરાય તેવી માંગણી ઉઠી છે.

ખેડા જિલ્લાના ઠાસરા પાલિકા વિસ્તારના ઈન્દિરાનગરીથી પીપલવાળા થઈ ફાગવેલ તરફ ૧૫ જેટલા ગામોને જોડતો ધોરી માર્ગ છે. ત્યારે અહીં એસટી બસ સહિતના મોટા વાહનો રાત- દિવસ અવર જવર કરે છે. આ રોડ ઉપર એક મહિનાથી ઠાસરા પાલિકાએ ગટરનું પાણી કાંસમાં નાખવા માટે રોડ તોડી નાળું નાખ્યું હતું. જ્યાં રોડનું સરખું લેવલિંક કે રિપેરિંગ નહીં કરતા મોટા ખાડા પડી ગયા છે. જેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને શારીરિક ઈજા થવા સાથે વાહનોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

ઠાસરા તાલુકાના આ રસ્તા પાસેના નાળા ઉપરથી ૧૫થી વધુ ગામોની જાહેર જનતા અવર- જવર કરે છે. આ પંદર ગામોની જાહેર જનતાને ઠાસરા સરકારી દવાખાનાએ આવવા જવા માટે, ૧૦૮ એમ્બ્યુલન્સને, ઠાસરા તાલુકા મથકે સરકારી કે બેન્કના કામકાજ માટે આ જ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. કપડવંજ અને બાલાસિનોર તાલુકાઓમાં જવા- આવવા માટેનો આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે. ત્યારે વહેલી તકે આ રસ્તા ઉપર ખોદકામના ખાડા સમથળ કરી રસ્તો આરસીસી અથવા ડામરનો કરી આપવાની ૧૫ ગામોના ગ્રામજનોની માંગણી છે.


Google NewsGoogle News