નડિયાદમાં ઠેર ઠેર ગંદકીથી ખદબદતા વિસ્તારોથી નગરજનો ભારે પરેશાન

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
નડિયાદમાં ઠેર ઠેર ગંદકીથી ખદબદતા વિસ્તારોથી નગરજનો ભારે પરેશાન 1 - image


- ગાંધી જયંતિની ઉજવણી માટે સફાઈ અભિયાન ફારસરૂપ

- 1500 સફાઈ કર્મીઓની જરૂરિયાત સામે 135 કાયમી અને 175 આઉટસોર્સિંગના કર્મીઓ જ હોવાથી સમસ્યા

નડિયાદ : આગામી ગાંધી જયંતિને લઈને સરકાર દ્વારા ઠેર ઠેર સફાઈ અભિયાનો શરૂ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. નડિયાદ પાલિકાના હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ અને સેનેટરી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં હાથમાં ઝાડૂ પકડીને ફોટો સેશન કરાવીને દેખાડો કરાવવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ છે તેવો રોષ શહેરીજનોએ ઠાલવ્યો હતો. 

નડિયાદની સરકારી કચેરીઓ, જાહેર માર્ગો, હોસ્પિટલો, શાળા-કોલેજો સહિતના વિસ્તારોમાં કચરાના ઢગલાં અને ગંદકી ફેલાયેલી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં મહિનાઓ સુધી સફાઈ કામદારો આવતા નથી. ત્યારે સફાઈ કામદારોની ઘટના કારણે ગંદકીની સ્થિતિ ઉદ્ભવી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. 

લાખોની વસ્તી ધરાવતા નડિયાદની સાફ સફાઈ માટે અંદાજીત ૧,૫૦૦ સફાઈ કર્મચારીઓની જરૂર છે. તેની સામે નડિયાદ નગરપાલિકામાં હાલ માત્ર ૧૩૫ કાયમી સફાઈ કામદારો અને ૧૭૫ પાર્ટ-ફૂલ ટાઈમ આઉટસોસગ કર્મચારીઓ છે. એટલે કે વસ્તી વિસ્તારની જરૂરિયાત સામે માંડ ૨૦ ટકા કર્મચારીઓ પાલિકા પાસે ના હોવાની વિગતો બહાર આવી છે. જેથી સ્વચ્છ ભારત અભિયાનની સફળતા સામે લોકો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યાં છે.  

પાલિકાના નવા પ્રમુખ કિન્નરીબેન શાહ વોર્ડ નં.૧૩માંથી ચૂંટાયેલા છે. આ વોર્ડમાં વાણીયાવાડથી મહાગુજરાત તરફનો પટ્ટો જ સ્વચ્છ જોવા મળે છે. આ સિવાયના અન્ય વિસ્તારો જેક એન્ડ જેઈલ સ્કૂલની બાજુમાં, કિશન સમોસાના ખાંચામાં તથા ખાંચાથી ફતેપુરા રોડને જોડતા રસ્તા પર, ચકલાસી ભાગોળ પર ફતેપુરા રોડ તરફ જતા ગુરૂકૃપા સોસાયટી અને ઠાકોરવાસની સામે, ઢીંઢાવાડિયાથી ક્રિષ્ના ટાઉનશીપ તરફ જતો માર્ગ ઉપરાંત અનેક વિસ્તારોમાં મહિનાઓ સુધી સફાઈ કામદારો ફરકતા ન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. તેમજ આજદીન સુધી વોર્ડના સભ્ય તરીકે પણ કિન્નરીબેન તેમના વોર્ડમાં ફરક્યા ના હોવાનો આક્ષેપ લગાવી સત્વરે સફાઈ કરવામાં આવે તેવી રોષે ભરાયેલા સ્થાનિકોએ માંગ કરી છે.


Google NewsGoogle News