નડિયાદમાં 18.48 લાખના ખર્ચે બનેલા રોડ પર 4 મહિનામાં જ મોટો ભૂવો પડયો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
નડિયાદમાં 18.48 લાખના ખર્ચે બનેલા રોડ પર 4 મહિનામાં જ મોટો ભૂવો પડયો 1 - image


- રોડ પરથી કાંકરી પણ નથી નીકળ્યાનો દાવો પંકજ દેસાઇએ કર્યો હતો 

- નીલકંઠ મંદિરથી સાઈબાબા મંદિર વચ્ચે 5 ફૂટ પહોળા પડેલા ભૂવાએ રોડની કામગીરીની ગુણવત્તા છતી કરી

નડિયાદ : નડિયાદ શહેરમાં નવા બનાવાયેલા ૧૧ પૈકી ૧૮.૪૮ લાખના ખર્ચે ચાર મહિના પહેલા જ  નવા બનેલા નીલકંઠ મંદિરથી સાંઈબાબા મંદિર વચ્ચેના રોડ પર સોમવારે મહાકાય ભૂવો પડયો હતો. ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ થોડા દિવસો પહેલા જ દાવો કર્યો હતો કે નવા બનાવેલા રસ્તા પરથી એક કાંકરીએ ઉખડી નથી, ત્યારે નવનિર્મિત રસ્તા પર ચાર મહિનામાં જ પાંચ ફૂટ પહોળા અને તેટલા જ  ઉંડા પડેલા ભૂવાએ ધારાસભ્યના દાવાની પોલ ખોલી નાંખી છે.

નડિયાદ શહેરમાં સોમવારની વહેલી સવારથી જ મુશળધાર વરસાદ ચાલુ થયો હતો. અંદાજીત ૪ કલાકની અંદર જ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી નીલકંઠ મહાદેવ મંદિર જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી સાંકેત સોસાયટી પાસે મસમોટો ભૂવો પડયો હતો. જેની જાણ નડિયાદ નગરપાલિકાની ટીમ સહિત સ્થાનિક કાઉન્સિલરોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી વાહન વ્યવહાર બંધ કરાવી સમારકામ હાથ ધર્યું હતું.

 જો કે, આ વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે, નડિયાદ નગરપાલિકાએ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ પાસે બનાવડાવેલા ૧૬ પૈકીનો આ રોડ છે. જે ૧૮.૪૮ લાખના ખર્ચે બનાવાયો છે. આ રોડ બનાવ્યે માત્ર ૪ માસનો જ સમય વિત્યો છે. ત્યાં ગટર લાઈન બ્રેક થવાની સાથે રોડની તકલાદી કામગીરીના કારણે ૫ ફૂટ ઉંડો ભૂવો પડયો છે. ભૂવાની સ્થિતિ જોતા રોડની કામગીરીમાં માત્ર ડામરનો લેપ મારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. તેની નીચે મેટલીંગથી માંડી અન્ય કોઈ કામગીરી કરાઈ નથી. ૧૮.૪૮ લાખનો ખર્ચ કર્યા બાદ પણ સ્થાનિકોને ગુણવત્તાયુક્ત રોડ આપવામાં તંત્ર નબળું પુરવાર થયુ છે.

આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાદક ભટ્ટે આ રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તાજેતરમાં થયેલા નવીનીકરણવાળા રોડમાં ભૂવો પડતા કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. આ રોડની નબળી કામગીરી માટે નગરપાલિકાને સૂચના અને માર્ગદર્શન આપતા લોકો પણ જવાબદાર છે. નડિયાદ નગરપાલિકાનું તંત્ર જે એજન્સીઓને કામ આપે છે તેમાં યોગ્ય ટેકનીકલ માણસોના અભાવના કારણે આ રોડ પર ભૂવો પડયો છે. રોડ બન્યો તો ઈન્સપેક્સન કેમ ન કરાયું જેવા સવાલો તેમણે ઉઠાવ્યા છે.

3 જેટલી ડ્રેનેજ લાઈનો બ્રેક થવાથી ભૂવો પડયો

સ્થળ પર પહોંચેલા નડિયાદ નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર સી.ડી.પટેલે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે આ ભૂવો પડયો છે. નજીકમાં જ કેનાલ પસાર થાય છે અને ડ્રેનેજ લાઈન બ્રેક થતા આ ભૂવો પડયો છે. તપાસ કરાવતા ૩ જેટલી ડ્રેનેજ લાઈનો બ્રેક થયેલી જોવા મળી છે. જેને સાંધો મારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ ૩ દિવસ જેટલો સમય લાગી શકે એમ છે.


Google NewsGoogle News