નડિયાદ પ્રગતિનગરમાં લગ્નના મંડપ પર વીજ થાંભલો પડતા દોડધામ
- જર્જરિત મકાનનો કાટમાળ પડતા દુર્ઘટના સર્જાઇ
- સદનસીબે કોઇ જાનહાની ન થતા હાશકારો લગ્નપ્રસંગમાં ભંગ પડ્યો, રસોઇ બગડી
નડિયાદ : નડિયાદ શહેરના પ્રગતિનગરમાં રવિવારે રાત્રે જર્જરિત ફ્લેટનો કાટમાળ વીજ વાયરો પર પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ વીજ લાઈન ચાલુ કરવા પોલ ઉભો કરવાની કામગીરી ચાલતી હતી. ત્યારે એકાએક વીજળીનો પોલ લગ્નના મંડપ પર પડતા નાસભાગ મચી જવા પામી હતી. નડિયાદ પ્રગતિનગરના મકાનો જર્જરિત ખંડેર હાલતમાં છે. ત્યારે રવિવારે રાત્રે પ્રગતિનગરમાં જર્જરિત ફ્લેટનો કાટમાળ વીજવાયરો પર તૂટી પડયો હતો. જેથી વીજવાયરો તૂટી જાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ બનાવ અંગે સ્થાનિક રહીશોએ જાણ કરતા આજે સવારે એમજીવીસીએલના માણસો વીજ લાઈનનું સમારકામ કરવા દોડી આવ્યા હતા. વીજ કંપનીના કર્મચારીએ ખાડો ખોદી નવો વીજપોલ નાખવાની કામગીરી કરતા હતા. ત્યારે એકાએક વીજળીનો પોલ લગ્ન પ્રસંગના મંડપ પર પડતાં બૂમાબૂમ સાથે લગ્ન પ્રસંગમાં આવેલ લોકોએ નાશ ભાગ કરી મૂકી હતી. વિજળીનો પોલ પડતાં ખુરશીઓ સહિત મંડપનો કચ્ચરઘાણ વળી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી. પરંતુ લગ્ન પ્રસંગ માટે બનાવેલ રસોઈ બગડી જવા પામી હતી. જેથી લગ્ન પ્રસંગના પરિવાર માટે સગા સંબંધીઓને જમાડવાનો પ્રશ્ન ઉભો થયો હતો.આમ લગ્ન પ્રસંગે જ વિજળીનો પોલ મંડપ પર પડતાં લગ્ન પ્રસંગના પરિવારજનો કફોડી હાલતમાં મુકાયા હતા.