નડિયાદ પાલિકામાં ઠરાવને વર્ષ થવા છતાં બે રોડનું કામ શરૂ ન કરાયું
- અગાઉ આ મુદ્દે અપક્ષ નગરસેવક હાઈકોર્ટમાં ગયા હતા
- પાલિકાના સત્તાધીશોને જાણ કરાઈ, જો અમલવારી નહીં તો પાલિકા વિરૂદ્ધ હાઈકોર્ટમાં જવાની ચિમકી
નડિયાદ નગરપાલિકાએ તા.૧૦ નવેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રમુખ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં એજન્ડા નં.૩૫ અને એજન્ડા નં.૪૭ને સર્વાનુમતે બહાલી આપી હતી. ૩૫ નંબરના ઠરાવમાં નગરપાલિકાએ કેર હોસ્પિટલથી શારદામંદિર સ્કૂલ થઈ ચકલાસી ભાગોળ તરફનો રસ્તો સરકારની ગ્રાંટમાંથી આયોજન કરી મંજૂરીઓ મેળવી અને વધારાનો ખર્ચ થાય તો સ્વભંડોળમાંથી ફાળવી આપવા અને ૪૭ નંબરના એજન્ડામાં ગાજીપુર મસ્જીદથી મહંમદી મસ્જીદ સુધીનો રસ્તો આગામી સરકારમાંથી મળનારી ગ્રાંટમાંથી આયોજન કરવા પ્રમુખ અને ચીફ ઓફિસરને સત્તા આપી હતી. આ બંને ઠરાવ કર્યાને હાલ ૧૧ મહિના ઉપરાંતનો સમય વીતિ ગયો છે. છતાં આજદીન સુધી તેની અમલવારી કરવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે વોર્ડ નં.૬ના અપક્ષ નગરસેવક માજીદખાન પઠાણે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે પાલિકાને એપ્રોચ કરવાનું જણાવ્યું હતું. તે ઓર્ડર સાથે નગરસેવકે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર, કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. આ તમામ રજૂઆતોને પણ મહિનાઓ વીતિ ગયા છે, તેમ છતાં આ ઠરાવો પર નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરાઈ ન હોવાના આક્ષેપ લાગ્યા છે. જેથી નગરસેવક દ્વારા શુક્રવારે આ મામલે પાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રના મુખ્ય અધિકારીને આખરી જાણ કરતો પત્ર લખી અને જો તાકીદે આ ઠરાવોની અમલવારી ન થાય તો સમગ્ર મામલે હાઈકોર્ટમાં નગરપાલિકા વિરુદ્ધ પુનઃ પીઆઈએલ દાખલ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ગ્રાન્ટ મળતાં જ રોડ બનાવાશે : પાલિકા પ્રમુખ
આ અંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહે જણાવ્યું હતું કે, સરકારમાંથી ગ્રાન્ટ આવતા આગળની કાર્યવાહી કરાશે અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં રોડ બનાવવામાં આવશે. ગ્રાન્ટમાં નાણાં ખૂટે તો સ્વભંડોળમાંથી પણ ઉમેરવા સુધીની પાલિકાની તૈયારી છે.