નડિયાદની જલારામ દીપ સોસાયટીમાં કચરો ઉપાડાતો ન હોવાથી હાલાકી

Updated: May 18th, 2024


Google NewsGoogle News
નડિયાદની જલારામ દીપ સોસાયટીમાં કચરો ઉપાડાતો ન હોવાથી હાલાકી 1 - image


- છેલ્લા 15 દિવસથી ગંદકી ખદબદી રહી છે

- પાલિકાની બેદરકારી સામે રહિશોમાં આક્રોશ, લેખિતમાં રજૂઆત કરાઇ

નડિયાદ : નડિયાદ શહેરના વોર્ડ નં.૪ એસ.ટી.નગર વિસ્તારમાં આવેલ જલારામ દીપ સોસાયટીમાં છેલ્લા ૧૫ દિવસથી કચરો ઉઠાવવા કોઈ વાહન ન આવતું હોય કચરાના ઢગલા સર્જાયા છે. આ ઉપરાંત સોસાયટીમાં કચરાપેટી ન હોય સોસાયટીના રહીશોને અન્ય સ્થળે આવેલ કચરા પેટીમાં કચરો નાખવા જવું પડે છે. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.

નડિયાદ વોર્ડ નં.૪ માં એસ.ટી.વર્ક શોપ સામે આવેલ જલારામ દીપ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની યોજના કાગળ પર રહેવા પામી હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. આ બાબતે સોસાયટીના કાંતિભાઈ વાઘેલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જલારામ દીપ સોસાયટીમાં ૨૯ જેટલા મકાનોમાં પરિવારો વસવાટ કરે છે. 

આ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી કચરાપેટી મુકવા રજૂઆત કરવા છતાં કચરાપેટી મૂકવામાં આવેલ નથી. જેથી સોસાયટીના રહીશોને દુરના સ્થળે આવેલ કચરાપેટીમાં કચરો નાખવા જવું પડે છે. તેમાં વળી છેલ્લા ૧૫-૨૦ દિવસથી કચરો ઉપાડવા માટે આવતું ટ્રેક્ટર બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે રસ્તા પર કચરાના ઢગલા થયા છે. કચરો ઉપાડવા બાબતે નગરપાલિકામાં રજૂઆત કરતા થોડા દિવસો નિયમિતપણે કચરો લેવા વાહન આવતું હોય છે બાદમાં જૈસે થે ની સ્થિતિ સર્જાય છે. 

ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કચરો ઉઠાવવામાં લાલીયાવાડી કરનારાઓ સામે પગલાં લેવાનંદ જરૂરી બન્યું છે. સત્તાધીશો દ્વારા જલારામ દિપ સોસાયટીમાં કચરાપેટી મુકવા તેમજ નિયમિતપણે કચરો ઉઠાવવા વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News