નડિયાદ શહેરમાં આંગડિયા પેઢીમાં ભર બપોરે 13 લાખની લૂંટ થઇ
- પેઢીના માલિકને માથામાં હથોડી મારી યુવકે લૂંટ ચલાવી
- લૂંટારૂ એક્ટીવા ચાલક યુવક સીસીટીવી કેમેરામાં કેદ પોલીસે નાકાબંધી કરી, જિલ્લાભરની પોલીસ એલર્ટ
પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત આંગડિયા પેઢીના માલિકને માથામાં ગંભીર ઈજા થતાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમને માથામાં બે ટાંકા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
નડિયાદ શહેરના ભાવસાર વાડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ વિજયકુમાર વિક્રમભાઈ નામની આંગડિયા પેઢી ચલાવે છે. સોમવારે બપોરે ૨ઃ૩૦ વાગ્યાના અરસામાં ઉપેન્દ્રભાઈ પોતાની પેઢીમાં બેઠા હતા દરમિયાન એક એક્ટિવા સ્કૂટર પર એક અજાણ્યો યુવક પેઢીમાં આવ્યો હતો અને ઉપેન્દ્રભાઈ કઈ સમજે તે પહેલા જ માથામાં લોખંડની હથોડી મારી અંદાજિત રૂ. ૧૩ લાખ રોકડની સનસનાટી ભરી લૂંટ કરી નાસી ગયો હતો.
આ વખતે ઈજાગ્રસ્ત ઉપેન્દ્રભાઈએ ચોર ચોરની બૂમો પાડતા આજુબાજુના દુકાનદારો ભેગા થઈ ગયા હતા. જ્યારે લોહી લુહાણ હાલતમાં ઉપેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની જાણ શહેર પોલીસ મથકે કરાતા પી.આઈ. સહિત ડી સ્ટાફ પોસઇ તથા અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એલસીબી, એસઓજી પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.
ગ્રાહકના સ્વાંગમાં લૂંટારૂ આવ્યો હતોઃ પેઢીનો માલિક
નડિયાદમાં આંગણિયા પેઢીમાં આવેલા અજાણ્યા લૂંટારુએ મારા પૈસા આવવાના છે કહી ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે પેઢીના માલિકને હથોડી મારી તેમજ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી જે કંઈ રોકડ હોય તે આપી દેવા જણાવ્યું હતું. જેથી ગભરાઈ ગયેલ પેઢીના માલિક પાસેથી રોકડની લૂંટ કરી અજાણ્યો લૂંટારૂ ઈસમ આંખના પલકારામાં એક્ટિવા પર નાસી ગયો હોવાનું પેઢીના માલિકે જણાવ્યું હતુ.
સીસીટીવી ફૂટેજ લઇ તપાસ હાથ ધરાશે : ડી.વાય.એસ.પી
નડિયાદ શહેરમાં આંગડિયા પેઢીમાંથી થયેલ લૂંટની જાણ થતાં જ તમામ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ લૂંટનો ભેદ ઉકેલવા સી.સી.ટી.વી ફૂટેજ મેળવી પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે તેમ ડી.વાય.એસ.પી નડિયાદ એ જણાવ્યું છે.