નડિયાદમાં રેલવે સ્ટેશને મોબાઇલના બહાને લૂંટ મચાવતી ટોળકી ઝડપાઈ
- મોબાઇલ નહીં આપનાર યુવકના માથામાં બ્લેડ મારીને ગંભીર ઇજા પહોંચાડી
- એક યુવતી અને બે શખ્સને રેલવે સર્વેલન્સ પોલીસે ઝડપી લીધા : ટોળકીના સભ્યો એકલદોકલ મુસાફરોને નિશાન બનાવતા : પહેલા મોબાઇલ માંગતા અને નહીં આપનારને મારી રોકડની લૂંટ ચલાવતા
નડિયાદ પીજ ચોકડી પાસે આવેલી બિસ્કીટની એક ફેક્ટરીમાં નોકરી કરતા ઉમેશ કલ્લુંભાઈ વર્મા તા.૨૩ મીના રોજ પોતાના સબંધીને મુકવા નડિયાદ રેલવે સ્ટેશને આવ્યા હતા. તેઓ પ્લેટફોર્મ નંબર-૨ પર આવેલા શૌૈચાલય નજીક બાંકડા ઉપર બેઠા હતા. દરમિયાન એક શખ્સ તથા યુવતી આવી ઉમેશ પાસે મોબાઇલ ફોનની માંગણી કરી હતી. જેથી ઉમેશે ના પાડતા એક છોકરાએ ગડદા પાટુંનો માર મારવા લાગ્યો હતો જ્યારે બીજા છોકરાએ માથામાં બ્લેડ મારી ઇજા પહોંચાડતા એ પ્લેટફોર્મ પર લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો.
આ દરમિયાન ઉમેશના ખિસ્સામાંથી રૂ.પાંચ હજારની લૂંટ કરી યુવતી સહિત ત્રણેય નાસી ગયા હતા. આ સંદર્ભે ઉમેશની ફરિયાદના આધારે રેલવે પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કવોર્ડના જવાનોએ બાતમી આધારે લૂંટ કરનાર તકદીર રાજુભાઈ દેવીપુજક (ઉ.વ.૨૫, રહે, મોહંમદી સોસાયટી સામે શાંતિથી ફળીયા સામે નડિયાદ) અર્જુન રમેશભાઈ તળપદા (ઉ.વ.૨૮, રહે, વિશાલ સોસાયટીની બાજુમાં છાપરામાં નડિયાદ) તથા નેહાબેન મફતભાઈ જમાદાર (ઉ.વ.૨૫, રહે, નડિયાદ) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓને પૂછપરછ કરતા તેમને લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. આ લૂંટમાં ગયેલ રકમ પૈકી રૂ.૩૫૦૦ કબજે કર્યા હતા આ બનાવ અંગે રેલવે પોલીસે ત્રણેય શખ્સોની લૂંટના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ કરી છે.
ફેરીનો ધંધો કરતો તકદીર ચોરીના રવાડે ચઢ્યો
નડિયાદ રેલવે સ્ટેશન બેઠેલ યુવકને માર મારી રૂ.૫ હજારની લૂંટતા ગુનામાં સંડોવાયેલ તકદીર દેવીપુજક (ઉ.વ.૨૫, રહે. શાંતિ ફળિયા સામે નડિયાદ) ફેરી નો ધંધો કરે છે. તે અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો. જ્યારે તેનો સાગરીતો પ્રથમવાર ગુનામાં મદદગારી કરવા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પોલીસે ઝડપેલા શખ્સોના નામ
કદીર રાજુભાઈ દેવીપુજક (ઉ.વ.૨૫, રહે. મોહંમદી સોસાયટી સામે, શાંતિ ફળીયા સામે. નડિયાદ), અર્જૂન રમેશભાઈ તળપદા (ઉ.વ.૨૮, રહે. વિશાલ સોસાયટીની બાજુના છાપરામાં, નડિયાદ), નેહાબેન મફતભાઈ જમાદાર (ઉ.વ.૨૫, રહે. નડિયાદ)