મહુધામાં 7 લાખના ખર્ચે તૈયાર રોડ 4 મહિનામાં ખોદી નાખ્યો
- રોડ બનાવ્યા બાદ પાણીની લાઈન નાખવાનું સૂજ્યું
- નગર પાલિકાના અણઘડ આયોજનના વાંકે નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
મહુધામાં સુવર્ણ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ ચાર મહિના પહેલા સાત લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા નજીકથી ખોડિયાર મુવાડી તરફના આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેવામાં મહુધામાં કરોડોના ખર્ચે પીવાના શુદ્ધ પાણી પહોંચાડવાના પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજુર કરાતા ચાર મહિના પહેલા જ બનાવેલા નવા આરસીસી રોડને તોડવામાં આવી રહ્યો છે.
હાલમાં પાણીની લાઈનના નામે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે થોડા સમય અગાઉ જીએસપીસી દ્વારા રણછોડરાય મંદિરથી સરદાર પોળ તરફ ગુજરાતી સ્કૂલ અને બહુચરાજી મંદિર વિસ્તારમાં નવા બનાવેલા રોડ પર ખોદકામ કરી તોડી પાડવામાં આવ્યા હતા. જેનું આજ દિન સુધી સમારકામ કરવામાં આવ્યું ના હોવાથી નગરજનોને ખખડધજ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા હોવાનું નગરજનો જણાવી રહ્યાં છે.
મહુધા પાલિકાના સત્તાધીશોના અણઘડ આયોજનના લીધે તથા કોન્ટ્રાક્ટર અને એજન્સીને ફાયદો કરાવવા માટે કામ શરૂ કરવાનો વર્ક ઓર્ડર આપ્યો હોવાનો આક્ષેપ નગરજનો લગાવી રહ્યાં છે. તેમજ નગરજનોએ ભરેલા ટેક્સના નાણાંનો દુર્વ્યય કરવામાં આવતો હોવાનો રોષ લોકોએ ઠાલવ્યો છે.