મહુધા તાલુકામાં મંજૂરી વગર જ ગામનું નામ બદલી નખાયું
- અધિકારીઓએ ફોટા જોવાની દરકાર પણ ન લીધી
- ગામના પિકઅપ સ્ટેન્ડનું 'મણિપુર' નામકરણ કરી મિયાપુર નામને હાંસિયામાં ધકેલી દીધું
મિયાપુર ગ્રામપંચાયતનું પીક અપ સ્ટેન્ડ બનાવવા માટે નાણાં પંચમાં કામ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં કામના નામમાં સ્પષ્ટ ઉલ્લેખ કરી મિયાપુર ગામે પીકઅપ સ્ટેન્ડનું કામ જણાવવામાં આવ્યું હતું. છતાં નાણાપંચની ગ્રાન્ટમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટેન્ડ બનાવ્યા બાદ કોઈપણ પ્રકારના સરકારી આદેશ કે પરિપત્ર વગર બોર્ડમાં મણિપુર લખી મિયાપુર નામ નાના અક્ષરે લખી હાંસિયામાં ધકેલી દીધું છે.
મહુધા એસટી ડેપોના મેનેજર વિલાસબેન પટેલને ગામના નામમાં પરિવર્તન અંગે પૂછપરછ કરતા તેમને આવી કોઈ દરખાસ્ત સરકાર કે જિલ્લા કક્ષાએથી આવી નથી. અને સરકારી હુકમ વિના અમે રૂટ લિસ્ટમાં કોઈ બદલાવ કરવાના નથી. તેમ જણાવ્યું હતું. બીજી તરફ કોન્ટ્રાક્ટરે આ મામલે બચાવ કરતા જણાવ્યું હતું કે, ગ્રામજનોની દરખાસ્ત છે જે તાલુકા જિલ્લામાં મોકલી અપાઈ છે.
ખેડા જિલ્લા વહીવટી તંત્ર માટે સવાલ એ ઉભો થાય છે કે, મહુધા તાલુકા વિકાસ અધિકારી અને અધિક મદદનીશ ઈજનેર દ્વારા જે બીલો પાસ કરવા માટે ફોટા લગાવ્યા હોય છે તેને પણ જોયા નથી અને સ્થળ તપાસ કર્યા સિવાય ફાઈલ જોવાની પણ દરકાર અમલીકરણ કર્મચારીઓએ લીધી નથી. અધિકારીઓ સરકારની બદનામી પણ જોઈ શકતા નથી તેવું મહુધા તાલુકા વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.