મહિસા ગામે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
મહિસા ગામે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત 1 - image


- ઘરકામ બાબતે ઝઘડો અને ચઢામણી કારણભૂત

- મહુધા પોલીસ મથકે સાસુ, સસરા અને નણંદ વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

નડિયાદ : મહુધા તાલુકાના મહિસાની પરિણીતાએ સાસુ, સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા લીધો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ત્રણેય સાસરિયાં વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

માતર તાલુકાના સંધાણામાં રહેતા મહેશભાઈ પૂનમભાઈ ઝાલાની દીકરી શિલ્પાબેન (ઉં.વ.૨૨)ના લગ્ન વર્ષ ૨૦૧૮માં મહુધા તાલુકાના મહિસામાં રહેતા હિતેશભાઈ રાવજીભાઈ સોઢા પરમાર સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક દીકરીનો જન્મ થયો હતો. પરિણીતાને સસરા રાવજીભાઈ તેમજ સાસુ જયાબેન ઘર કામ જેવી નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ ગુજરાતા હતા. જ્યારે નણંદ કાજલબેન પિયરમાં આવે ત્યારે ચડવણી કરી હેરાનગતિ કરતી હતી. 

આ અંગે શિલ્પાબેને પિતાને જાણ કરતા તેઓએ સમજાવીને દીકરીને સાસરીમાં પરત મોકલી હતી. છતાં સાસુ, સસરાનો ત્રાસ યથાવત રહ્યો હતો. તા.૨૦ સપ્ટેમ્બરના રોજ શિલ્પાબેને પિતાને ફોન કરી સાસુ, સસરા તથા નણંદનો ભારે ત્રાસ છે જેથી હું કંટાળી ગઈ છું, ના છૂટકે મારે આપઘાત કરવો પડશે તેમ કહેતા પિતા મહેશભાઈએ દીકરીને સાસુ સસરાને આવીને સમજાવવાની હૈયા ધારણા આપી હતી. ત્યારબાદ શિલ્પાબેને ઘરના પાછળના ખંડમાં લોખંડની પાઇપ સાથે પ્લાસ્ટિકની દોરીથી ગળે ફાંસો ખાધો હોવાનો ફોન આવ્યો હતો. જેથી પરિણીતાના પિતા સહિત પિયરીયા મહીસા ગામે દોડી ગયા હતા. આમ શિલ્પાબેનને તેના સાસુ-સસરા અને નણંદે આપઘાત કરવા મજબૂર કરી હોવાની મહેશભાઈ પુનમભાઈ ઝાલાએ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News