કમળા જીઆઈડીસીમાં શોમીલના માલિક પાસે ખંડણી માંગનાર શખ્સ ઝડપાયો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
કમળા જીઆઈડીસીમાં શોમીલના માલિક પાસે ખંડણી માંગનાર શખ્સ ઝડપાયો 1 - image


- કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

- રૂ. 1.80 લાખ માંગીને મળતિયાઓ સાથે ફરિયાદીના પુત્ર અને મજૂરો પર હુમલો કર્યો હતો

નડિયાદ : નડિયાદ નજીક કમળા જીઆઇડીસીમાં આવેલી શોમીલના માલિક પાસે માથાભારે શખ્સે રૂપિયા ૧.૮૦ લાખની માંગણી કરી પૈસા ન આપે તો શોમીલને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

નડિયાદ-મંજીપુરા રોડ ઉપર આવેલી ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા નવીનભાઈ કરમશીભાઈ પટેલની કમળા જીઆઇડીસીમાં સત્યનારાયણ ટિમ્બર માર્ટ નામની શોમીલ આવેલી છે. કમળા સંતરામ કાંટા પાછળ રહેતા શાહરૂખમિયા અશરફમિયા મલેક નામના વ્યક્તિ અવારનવાર રૂબરૂમાં તેમજ ફોન કરી નવીનભાઈ પાસેથી રૂપિયા ૧.૮૦ લાખની માગણી કરતો હતો. આ માથાભારે ઈસમ અને તેના મળતિયાઓએ શોમીલના માલિકના પુત્ર અને અન્ય ૪ મજુરો પર હુમલો કરતાં તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. 

આ સંદર્ભે શોમીલના માલીક નવિનભાઈ પટેલે શાહરૂખમિયા અશરફમિયા મલેક અને તેના મળતિયાઓ સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નડિયાદ રૂરલ પોલીસે ખંડણી કેસમાં મુખ્ય આરોપી શાહરૂખ મલેકને પીપલગથી ઝડપી પાડયા બાદ તેને  રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ વિવિધ મુદ્દાઓ મુકતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


Google NewsGoogle News