ડાકોરમાં ગોકળ ગતિએ બ્રિજની ચાલતી કામગીરીથી ભારે હાલાકી
- 69 કરોડના ખર્ચે નવો બ્રિજ હજુ બન્યો નથી
- ટેન્ડરિંગના સમય કરતા 6 મહિના વધુ થવા છતાં હજુ કામ અધૂરું : ટ્રાફિકની સમસ્યા વકરી
યાત્રાધામ ડાકોરમાં વર્ષ-૨૦૨૧ના પાંચમાં મહિનામાં ડાકોર કપડવંજ, ડાકોર ઉમરેઠ, ડાકોર સેવાલીયા જવા માટે બ્રિજ બનાવવાનું ટેન્ડર માંગલ્ય બિલ્ડકોન નામની એજન્સીને લાગ્યું હતું. ડાકોરમાં ટ્રાફિક સમસ્યાની ફરિયાદોને ધ્યાને રાખીને ૬૯ કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો હતો. એજન્સીના ટેન્ડરમાં જણાવ્યા મુજબ ૧૮ મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું અને જેની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૨૨ હતી પરંતુ માંગલ્ય બિલ્ડકોન એજન્સીના કોન્ટ્રેક્ટર દ્વારા એટલું ગોકળ ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે કે કામ પૂર્ણ કરવાની તારીખ ઉપર ૬ મહિના થઈ ગયા હોવા છતાંય કામ હજુ પૂર્ણ થયું નથી. સમગ્ર બાબતે ડાકોર માર્ગ મકાનના ડેપ્યુટી એન્જિનિયરને પૂછતાં તેમણે એજન્સીનો ટેન્ડર સમય પૂર્ણ થઈ ગયો હોવાનું સ્વિકાર્યું હતું.
પણ પેનલ્ટી બાબતનો જવાબ ઉપલા અધિકારીને ખબર હોય અને એજન્સીને ટાઈમ લિમિટ વધારી હોવાનું તેમની જાણમાં નથી તેમ જણાવ્યું હતું.