ડાકોરમાં બે મહિનાથી પગાર ન થતા સફાઈ કામદારો કામથી અળગા રહ્યાં
- પાલિકા તંત્ર સામે ફરી સફાઈ કામદારો હડતાળના મૂડમાં
- મંદિર રોડથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઠેર ઠેર સફાઈના અભાવે કચરાના ઢગલાં
યાત્રાધામ ડાકોર માં ૫૦ જેટલા સફાઈકમદારો કામ કરે છે જેમને ડાકોર નગરપાલિકામાંથી દર મહિને પગાર ચુકવવામાં આવે છે. જે છેલ્લા બે મહિનાથી કરવામાં નહીં આવતા સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી. અગાઉ પણ આજ સફાઈકમદારોને બે મહિનાનો પગાર યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સીએ નહીં ચૂકવીને હાથ ઉંચા કરી દીધા હતા. ત્યાર પછી યાત્રાધામ વીકાસ બોર્ડે તત્કાલીન ચીફ ઓફિસરને જવાબદારી સોંપાતા ડાકોર નગરપાલિકામાંથી સફાઈ કરાવવાનું કામ સોંપાયું હતું. જે સફાઈકામદારો યાત્રાધામની એજન્સીમાં કામ કરતા હતા તેમની નોકરી ચાલુ રાખીને સફાઈ કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ સફાઈકામદારો ડાકોરમાં સફાઈ કરતા હતા. પરંતુ ડાકોર નગરપાલિકાએ છેલ્લા બે મહિનાનો પગાર ચુકાવ્યો નહીં હોવાના કારણે સફાઈ કામદારોનો હડતાળનો મૂડ જોવા મળી રહ્યા છે. ૩૦ જેટલા સફાઈ કામદારો બે દિવસથી ડાકોર નગરપાલિકામાં નોકરી પર આવતા નથી. જેને કારણે ડાકોરના મુખ્ય માર્ગો મંદિર રોડથી બસ સ્ટેન્ડ વિસ્તાર પર ઠેર ઠેર સફાઈનો અભાવ જોવા મળતા કચરો જોવા મળી રહ્યો છે. ડાકોર નગરપાલિકાની સફાઈ બાબતે ચીફ ઓફિસર વાય.જે. ગણાત્રાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારોનો પગાર યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી કરવાનું લેખિત કર્યું હતું પણ, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બે મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી. જેથી ૫૦ સફાઈ કામદારોમાંથી હાલ ૩૦ સફાઈકામદારો આવતા નથી માટે કચરાના ઢગ જોવા મળ્યા છે. નગરપાલિકાના રેગ્યુલર સફાઈ કામદારો પાસે આ ટેન્ડરવાળી જગ્યાઓ સાફ કરાવવી એ નિયમ વિરુદ્ધ ગણાય.