ડાકોરમાં પહેલા વરસાદના છાંટામાં જ વીજળી ડૂલ થતા લોકોને હાલાકી
- પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર
- મધરાતે વીજ પૂરવઠો બંધ થઈ જતાં રહિશો શેકાયા ફરિયાદ નંબર પર ફોન ન લાગતા રહિશોમાં રોષ
ડાકોરમાં છેલ્લા બે દિવસથી વારંવાર લાઈટો જવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. છાસવારે લાઈટો જવાને કારણે ઉનાળાની ગરમીમાં બાળકો સહિત સહિશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજુ ડાકોરમાં વરસાદનું આગમન આજે રાત્રીના ૩ વાગ્યાના અરસામાં થયું છે. ત્યારે પ્રથમ વરસાદના આગમને જ વીજળી ડૂલ થઈ ગઈ હતી. જેનાથી ડાકોરવાસીઓએ બફારાના અનુભવ સાથે હાલાકી ભોગવવી પડી હતી. જેથી રોષેભરાયેલા નગરજનોએ એમજીવીસીએલની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા હતા. સામાન્ય છાંટા આવે અને ડાકોરમાં વીજળી ડૂલથઈ જાય તો તંત્ર પ્રિ-મોન્સૂનની કામગીરી બાબતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો શા માટે બોલાવે છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, લાઈટ જાય અને એમજીવીસીએલના કમ્પ્લેન નંબર પર ફોન કરતા નંબર વ્યસ્ત આવતો હોય છે. લાઈટ જાય એટલે રિસિવર આઉટ ઓફ ઓર્ડર બતાવતું હોય છે.