ડાકોરમાં પ્રદૂષિત ગોમતી તળાવની તંત્રના બદલે યુવાનોએ સફાઇ અભિયાન હાથ ધર્યું
- શહેરીજનોની રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી ન હલતા યુવાનોની ઝુંબેશ
- તંત્રનો લાખોનો ખર્ચ માથે પડયો : તળાવની આસપાસ ગેરકાયદે દબાણ વધ્યા પાણીમાં ઠલવાતી ગંદકીથી પ્રદૂષણ છતાં સફાઇ માટે તંત્રએ હાથ અધ્ધર કર્યાં
ડાકોર : યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવમાં પ્રદૂષણનો મુદ્દો ચગ્યો છે. તંત્રની જવાબદારી હોવા છતાં સફાઇ સહિતની કોઇ કામગીરી નહીં કરાતા ડાકોરના જ કેટલાક યુવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ગોમતી તળાવની સફાઇ શરૂ કરવામાં આવી છે.
યાત્રાધામ ડાકોરના પવિત્ર ગોમતિ તળાવમાં અસહ્ય ગંદકીને કારણે અપમાનજનક અવસ્થા ભોગવી રહ્યું છે. ગેરકાયદેસર દબાણો, ધર્મશાળાઓની બાથરૂમ-સંડાસોના ગેરકાયદેસર જોડાણો અને જંગલી જળ વનસ્પતિના રાફડાઓથી ઘેરાયેલી ડાકોરની ગોમતિ માટે સરકાર કે નગરપાલિકા કે સમાજના આગેવાનોને કાંઇ જ પડી ન હોવાનું સ્થાનિકો ચર્ચી રહ્યા છે. ત્યારે સ્થાનિક યુવાનોએ ગોમતી તળાવની સફાઇ માટે કમર કસી છે. છેલ્લાં ત્રણ દિવસથી ગામના ૧૫ જેટલા યુવાનોએ આ ભગીરથ કાર્યનો આરંભ કર્યો છે.
ડાકોરના ઠાકોરની સામે જ આવેલું પવિત્ર ગોમતિ તળાવ આજે ગુજરાતના લાખો કૃષ્ણભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. પરંતુ આજે તેનો ૨૦% જેટલો ભાગ પુરાઇ ગયો છે. આવા ગેરકાયદેસરના દબાણો આસપાસના લોકો કરે એ તો ઠીક, પણ ખુદ સરકારી ખાતાએ પણ તેનો વિકાસ કરવાના બહાના હેઠળ ઇશ્વરના ઓવારો તથા ગાયકવાડની હવેલી જેવા વિસ્તારોમાં ગોમતિના પાણી ડુબાડીને વીસ હજાર સ્ક્વેર ફૂટના દબાણો કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આજે ગોમતિ તળાવનો ૪૦% જેટલો ભાગ જંગલી વનસ્પતિથી ઘેરાઇ ગયો છે. આ તળાવની આસપાસ આવેલા વડાબજાર અને ડુંગરાભાગોળ જેવા અનેક રહેણાંક વિસ્તારોના અગણિત મકાનો અને ધર્મશાળાઓએ પોતાની ગટરોના જોડાણ સીધેસીધા ગોમતીમાં આપી દીધા હોવાની ગ્રામચર્ચાએ જોર પકડયું છે. આથી જે પવિત્ર પાણીમાં શ્રદ્ધાળુઓ ન્હાય છે, પૂજન કરે છે, આચમન કરે છે અને અર્ધ્ય આપે છે એ જ પાણીમાં સંડાસ-બાથરૂમની સીધી પાઇપલાઇનો જોડાઇ હોવાની વાતે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે અરેરાટી ફેલાવી છે. આજથી દસ વર્ષ અગાઉ તો આ જ ગોમતિમાં બાળકો અને યુવાનો ધુબાકા મારીને ન્હાવા પડતા હતા.
પરંતુ એ જ સ્થાનિકો આજે ગોમતિની દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આમ છતાં સરકારના કોઇ વિભાગે, યાત્રાધામ વિકાસ બોર્ડે, જિલ્લાની કલેક્ટર કચેરીએ કે ખુદ ડાકોર નગરપાલિકાએ ગોમતિના શુદ્ધિકરણ માટે કંઇ દરકાર રાખી નથી, કે એના માટે અલાયદી સ્પેશ્યલ ગ્રાન્ટ પણ ફળવાઇ નથી.
ભીમે તરસ છીપાવવા ગદાનો પ્રહાર કર્યો અને ગોમતી તળાવનું નિર્માણ થયું
એવી લોકોક્તિ પ્રચલિત છે કે પાંડવવન ગણાતાં ચરોતરના ડાકોર તરફના વિસ્તારમાં જ્યારે પાંડવો વનવાસ ભ્રમણ કરતા હતા ત્યારે હાલના ગોમતિ તળાવ પાસે ભીમને તરસ લાગી. તેણે પોતાની ગદાના એક જ પ્રહારથી જમીનમાંથી પાણી કાઢ્યું અને ત્યાં ગોમતિ તળાવ બન્યું. એમ પણ કહેવાય છે કે જ્યારે ભગવાન ભક્ત બોડાણાના આગ્રહને વશ થઇને દ્વારિકાથી ડાકોર આવ્યા ત્યારે ગુગલી બ્રાહ્મણોના હૂમલાથી બચવા ભગવાન ગોમતીમાં સંતાઇ ગયા હતા, અને ભગવાન પાણીમાં હોવાની શંકા જતાં એક વ્યક્તિએ ભાલો મારીને ભગવાનને શોધ્યાં ત્યારે ભગવાનને ભાલો વાગવાથી આખી ગોમતિનું પાણી લાલ થઇ ગયું હતું. આજે પણ ગોમતિમાં એ ભાલાવાળી જગ્યાએ શ્રદ્ધાળુઓ દર્શન કરવા જાય છે. જ્યારે દ્વારિકાના ગુગળી બ્રાહ્મણોએ ભક્ત બોડાણા પાસે ભગવાનના ભારોભાર સોનાની માંગણી કરી ત્યારે આ જ ગોમિતના ઘાટ ઉપર ભગવાન બોડાણા પત્ની ગંગાબાઇની સવાવારની નથણી (નાકની ચુની)થી તોળાયા હતા અને એટલી નાની નથણીનું સોનું ચમત્કારથી જ ભગવાનના વજન કરતાં વધી ગયું હતું. આ પવિત્ર ત્રાજવાના અને ભગવાનના ચરણપાદુકાના દર્શન કરવા ગોમતિઘાટ ઉપર હજ્જારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.
યુવાનોએ સ્વખર્ચે જાળવણીનું બીડું ઝડપ્યું
ડાકોરના પંદરેક જેટલા યુવાનોએ છેલ્લાં ત્રણ દિવસથી સ્વખર્ચે આ પૌરાણિક અને આધ્યાત્મિક ધરોહર સમા ગોમતી તળાવની સફાઇ માટેનું બીડું ઝડપ્યું છે. આ યુવાનો પોતાનો નોકરી ધંધો પતાવીને રોજ સાંજે ચારથી સાત વાગ્યા સુધી તળાવમાંથી જંગલી વનસ્પતિ, કચરો, દારુની બોટલો અને ગંદકી સાફ કરી રહ્યા છે. આ માટે ડાકોરના અન્ય યુવાનોને પણ જોડાવા માટેની અપીલ કરી રહ્યા છે.
સફાઇ માટે 49 લાખનો ખર્ચ કરાયો છતાં ગંદકી યથાવત
ગોમતી તળાવ જિલ્લા કલેક્ટર હસ્તક છે. પાંચેક વર્ષ અગાઉ તત્કાલીન કલેક્ટરે આ ગોમતી તળાવની સફાઇ માટે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાંથી એક મશીન ભાડે મંગાવ્યુ હતું. જેના માટે ૪૯ લાખ જેટલી મસમોટી રકમ ભાડાપેટે ચૂકવી હતી. જિલ્લા કલેક્ટર અને નગરપાલિકાની બેદરકારીને કારણે આ મશીન અઢી મહીના સુધી અહીં રહ્યું, અને ભાડુ વધુ પડતા સફાઇ અધૂરી રહી. ત્યારબાદ દોઢેક વર્ષ અગાઉ ભાજપના મહામંત્રી નરેશભાઇ શાહે સ્વખર્ચે આખી ગોમતી સાફ કરાવી હતી. પરંતુ ત્યારબાદ તેમના અવસાન બાદ ગોમતી ફરીથી મેલી થઇ ગઇ.
લાખોનો ખર્ચ ગોમતિ શુદ્ધિકરણની કામગીરી ટલ્લે
ગોમતિના શુદ્ધિકરણ માટે વારંવાર રજૂઆતો થઇ છે. જેમાં તા.૧૧-૩-૨૦૧૫, ૧-૯-૨૦૧૫ અને ૯-૧૦-૨૦૧૫ના રોજ જિલ્લા કલેક્ટરને તથા મંત્રી નિતીન પટેલ સમક્ષ ફરિયાદો થઇ. જેના જવાબમાં એવું કહેવાયું હતું કે ગોમતિ સફાઇ માટે વર્ષ ૨૦૦૮માં ૪ લાખના ખર્ચે, ૨૦૧૪માં૫૦ હજાર અને ૨૦૧૫માં ૭૦ હજાર નાણાંપંચની ગ્રાન્ટો ફળવાઇ છે. પરંતુ આ ખર્ચાઓએ જાણે ગોમતિમાં જ જળસમાધિ લીધી હોય, તેમ આજે તો ગોમતિ દુર્ગંધથી ખદબદી રહી છે. આ ઉપરાંત ગત્ ૧૩-૧૧-૨૦૧૪ના રોજ મનોજભાઇ ચૌહાણ નામના એક શ્રદ્ધાળુએ જ્યારે મંદિર ઉપર પુષ્પવર્ષા કરી ત્યારે આખી ગોમતિને ચુંદડી ચઢાવવાનો મનોરથ કરેલો. એ વખતે નગરપાલિકા સમેત ગ્રામજનોએ પણ ગોમતિ શુધ્ધિકરણના જાહેર સંકલ્પો કર્યા હતા. પરંતુ આ સંકલ્પો જાણે ગોમતિમાં જ પધરાવી દેવામાં આવ્યા હોય તેવી દુર્દશા ગોમતિ તળાવ આજે ભોગવી રહ્યું છે.
શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા તળાવમાં કુંભવેલનું સામ્રાજ્ય
ડાકોરમાં રહેતા વયોવૃદ્ધ નટવરભાઇ જણાવે છે કે ગોમતી તળાવ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટેનું આસ્થાનું કેન્દ્ર છે. જેમ ગંગામાં નહાવાથી પાપ ધોવાય છે તેમ ગોમતીનું છે. અહીં રોજેરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ન્હાતા હોય છે, માથે જળ ચઢાવતા હોય છે. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી પાણી ગંદુ થવાથી લોકો ન્હાવાનું ટાળી રહ્યા છે. ગામના દારૂડીયાઓ અહીં કુંભવેલનું બિયારણ નાંખી જાય છે. જેને કારણે પાણીમાં કુંભવેલનું સામ્રાજ્ય જામે છે. અને આ અસંખ્ય ઉગેલી કુંભવેલમાં પોતાના દેશી દારુની બોટલો સંતાડે છે. જ્યારે દારુડીયાઓ જ પવિત્ર ગોમતીની પવિત્રતા સમજતા નથી, ત્યારે બીજાને શું કહેવું. ઉપરથી નગરપાલિકા પણ આ માટે કોઇ તકેદારી રાખતી નથી. તળાવની નિયમિત સફાઇ પણ કરાવતા નથી. આ ગોમતી તળાવ જિલ્લા કલેક્ટરને હસ્તક છે, પરંતુ તેમના દ્વારા પણ સફાઇ માટે કોઇ જ પગલાં લેવાતા નથી.