આણંદમાં માવઠાથી શીતલહેર પ્રસરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
આણંદમાં માવઠાથી શીતલહેર પ્રસરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 1 - image


- પાકને નુકસાન, વિજિબિલિટી ઘટી જતા ટ્રેનો મોડી પડી

- ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે આજે સવારના સુમારે વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર કમોસમી વરસાદ વરસ્યો હતો.  આણંદ શહેરમાં સવારના સુમારે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લગભગ અડધો કલાક સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા શિયાળાના પ્રારંભે જ અષાઢી માહોલ સર્જાયો હતો. 

સાથે સાથે જિલ્લાના આંકલાવ, તારાપુર, બોરસદ, પેટલાદ સહિતના વિવિધ તાલુકા મથકોએ કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.

કમોસમી વરસાદ વરસતા જિલ્લામાં ડાંગર સહિત તમાકુ, ટાંમેટી, કેળ તેમજ શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે ડાંગરની રોપણી મોડી કરાઈ હતી.

 જેથી હાલ હજ્જારો હેક્ટરમાં ડાંગરનો પાક કાપેલી હાલતમાં ખેતરોમાં પડયો હતો. પરંતુ માવઠાના કારણે પાક પલળી જતા અને ઉભી ડાંગર આડી પડી જતા ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. 

હજી આવતીકાલે પણ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જો વધુ વરસાદ વરસશે તો ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં મહત્તમ તાપમાન નીચું ગયું હતું. જો કે છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ પવનની ગતિ તેજ થતા જિલ્લામાં વાતાવરણ ટાઢુ બોળ થઈ ગયું હતું. આજે પવનની ઝડપ ૫.૦ કિ.મી./કલાક રહેવા પામી હતી. તો બીજી તરફ વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે વીઝીબીલીટી પણ ઓછી થઈ ગઈ હતી. જેને પગલે સવારના સુમારે વરસતા વરસાદ વચ્ચે વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઈટ ફરજીયાતપમે ચાલુ કરવાની ફરજ પડી હતી.

પેટલાદ-નડિયાદ રોડ ઉપર  પેટલાદ નજીક જીઈબી નજીક આવેલ રેલ્વે ફાટક ઉપર બ્રીજનું નિર્માણ કાર્ય ચાલુ હોઈ ગરનાળા નીચેથી ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જો કે સવારના સુમારે જોરદાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાઈ જતા આ ગરનાળુ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન અપાયું હતું.

 ધોધમાર વરસાદ વરસતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી અને વિવિધ દિશા તરફ દોડતી ટ્રેનો આશરે અડધો થી એક કલાક મોડી પડતા અનેક મુસાફરો રેલ્વે સ્ટેશન ઉપર અટવાયા હતા. તો કેટલાક મુસાફરોએ ના છુટકે એસ.ટી. બસ તથા અન્ય ખાનગી વાહનોનો સહારો લેવો પડયો હતો.

ઉમરેઠ અને પેટલાદ પંથકમાં લગભગ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. 

જ્યારે અન્ય તાલુકાઓમાં ૫ થી ૭ મીમી જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. સાથે સાથે લગભગ ૧૨ કી.મી.ની ઝડપે પવન ફુંકાતા જિલ્લામાં કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો બન્યા છે. જિલ્લાના પેટલાદ તાલુકામાં ભારે પવન તથા કમોસમી વરસાદના કારણે નુકસાન વધુ થયું હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News