આણંદ જિલ્લામાં ડ્રગ વિભાગની તપાસમાં શંકાસ્પદ સિરપની માત્ર 90 બોટલ ઝડપાઈ
- આણંદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ ના કરાતા તર્ક વિતર્ક
- આયુર્વેદિક હોવાના કારણે કોઈ લાઈસન્સ ના અપાતું હોવાથી યોગ્ય તપાસ ના કરાઈ હોવાનો ડ્રગ વિભાગનો દાવો
આણંદ જિલ્લાના ડ્રગ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે. આ અંગે ડ્રગ વિભાગના અધિકારી ચંદ્રિકાબેનના જણાવ્યાં મુજબ કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાં, મેડિકલ સ્ટોર્સ સહિતનામાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ૯૦ બોટલ શંકાસ્પદ આયુર્વેદિક સિરપ તથા પીણું ઝડપી પાડયું હતું. આ સિરપ તથા પીણું આયુર્વેદિક હોવાથી ડ્રગ વિભાગ દ્વારા કોઈ લાયસન્સ અપાતું નથી, તેથી યોગ્ય તપાસ કરી નથી તેવું તેમણે ઉમેર્યું હતું. સિરપ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. પરંતુ આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કે તપાસ કરવામાં ના આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ અંગે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપડયા વગર પ્લિઝ ટેક્સ્ટ મી નો મેસેજ કર્યો હતો.