મહેમદાવાદમાં વાત્રક નદીના કાંઠે હનુમાનજી મંદિરના પૂજારીની હત્યા
- ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પરની ઘટના
- ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા : મોડી રાતે લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન
નડિયાદ : મહેમદાવાદમાં આધેડ વયના પૂજારીની બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. વાત્રક નદીના કાંઠે આવેલા ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર રહેતા આધેડની અજાણ્યા ઈસમોએ હત્યા કરી નાખી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા મહેમદાવાદ પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મહેમદાવાદમાં વાત્રક નદી કિનારે આવેલા ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર વર્ષોથી રહેતા ૫૫ વષય કાળુભાઇ ફુલાભાઇ ભોઈ નામના વ્યક્તિનો મૃતદેહ તેમના ઘરમાં ઢાળેલા ખાટલા પરથી આજે રવિવારે સવારે મળી આવ્યો છે. આ બિના જોતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે સ્થળ પર પહોંચી જોતા કાળુભાઈ ભોઈનો મૃતદેહ તેમની પથારીમાં જ પડયો હતો. તેમજ ચહેરાના ભાગે ગંભીર ઈજા હતી, જ્યાં બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ સામે આવ્યુ હતું.
પોલીસસૂત્રોએ જણાવ્યું કે, મોં અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોત નીપજાવ્યું છે અને આ સંપૂર્ણ ઘટના કદાચ મોડી રાત્રે બની હોવાની શક્યતા છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તેમજ કપડવંજ ડીવાયએસી અને જિલ્લા એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહાંેચી એસએસએલ મારફતે હત્યાને લગતી વિવિધ કડીઓ મેળવી રહી છે. લૂંટની પણ આશંકા હોય પોલીસે બનાવ સ્થળે દોડી આવી તપાસ કરતા તીજોરી પણ ફંફોસી છે. જેથી લૂંટ હોવાની પણ શક્યતા છે. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલી નિવેદનના આધારે કાર્યવાહી આરંભી છે.
આ બનાવ સંદર્ભે કપડવંજ વિભાગના ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યું કે, કોઈ અજાણ્યા લોકો દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જોકે અમે અલગ અલગ દિશામાં પુછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. હાલ પીએમની કાર્યવાહી હાથ ધરી છે. અહીંયા નાની દેરી હોય તેના પૂજારી તરીકે કાળુભાઇ ભોઈ હોવાનું પુછતાં આ બાબતે પુછપરછ ચાલુ હોવાનું જણાવ્યું છે. આ હત્યાના પગલે ભારે સનસનાટી મચી ગઇ છે.