ડાકોરમાં 20 જેટલી ગુરૂગાદીઓ પર આજે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે
- મંદિરમાં 'કૃષ્ણમ્ વંદે જગતગુરૂ'નો નાદ ગૂંજી ઉઠશે
- રણછોડરાય સવારે પાંચ વાગે ભક્તોને દર્શન આપશે અનુયાયીઓ અને ભક્તોથી ડાકોર ઉભરાશે
ડાકોર : ડાકોરમાં આવેલી ૨૦ જેટલી ગુરૂગાદીઓ ઉપર તા. આજે રવિવારે ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ગુરૂના દર્શન કરવા ડાકોરમાં પધારશે. બીજી તરફ 'કૃષ્ણમ્ વંદે જગતગુરૂ'માં માનનારા ભક્તો પણ ડાકોરના ઠાકોરજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટશે.
ડાકોરમાં નાની- મોટી થઈને આશરે ૨૦ જેટલી ગુરૂગાદીઓ આવેલી છે. ત્યારે આજે રવિવારે ગુરૂપૂર્ણિમાના શુભદિને ડાકોરની ગુરુગાદીઓ પર ગાદીપતિ મહંતો- સંતો પોતાના અનુયાયી ભક્તોને કંઠી ધારણ કરાવી સમાજ ઉપયોગી સેવાઓ કરવા સાથે વ્યસનનો ત્યાગ કરી પ્રેરણાદાયી જીવન જીવવાના આશીર્વાદ પાઠવશે. ગુરુજીઓના આશીર્વાદ ગ્રહણ કરવા સાથે અનુયાયીઓ ગુરૂ પાદુકા પૂજન, પ્રસાદ ગ્રહણ સહિતના ધાર્મિક કાર્યોમાં જોડાશે.
ડાકોરમાં ૨૦ ગુરૂગાદીઓ પૈકીની રણછોડજી મંદિર કૃષ્ણમ વંદે જગતગુરુ, સંતપુનિત મહારાજની ગુરૂગાદી, ત્રિકામજી મંદિર ગુરુગાદી, દાઉદજી મંદિર, સત્યનારાયણ મંદિર, પ્રાણમી મંદિર, રામચોક મંદિર, શેઢી મંદિર સહિતના મંદિરોની ગુરૂગાદીઓ તેમજ કાઠિયાખાખ ચોક ગુરુગાદી, દાંડીસ્વામી આશ્રમ, પાયહરી આશ્રમ, ભરતભુવનની ગુરૂગાદીઓ, ચરોતર રબારી સમાજ, વડવાળા રબારી સમાજ, નનાભરવાડ સમાજ, રામજીમંદિર રબારી સમાજની ગુરૂગાદીઓ, કિરણ મહારાજ, ગીતાસાગર મહારાજ અને મસ્તરામની ગુરૂગાદીઓ પર ગુરૂપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે.
ડાકોરના ઠાકોર પણ તેમના ભક્તોને સવારે ૫ વાગે દર્શન આપશે. ત્યારે પુનમ દર્શનના સમયપત્રક મુજબ બપોરે ૩ વાગ્યા સુધી મંદિર ખુલ્લા રાખવામાં આવશે. પછી ઠાકોરજી પોઢી જશે. ઉથ્થાપન આરતી કરવામાં આવશે.
બાદમાં નિત્યક્રમ મુજબ અને દર્શનાર્થીઓની સગવડતા મુજબ મંદિર ખુલ્લા રાખવામાં આવશે. શાયનભોગ, સખડીભોગ ધરીને ઠાકોરજીને પોઢાડી દેવામાં આવશે. ડાકોરમાં કૃષ્ણમ વંદે જગતગુરુ શિવાય આસરે ૨૦ ગુરુગાદીઓ પર ગુરુપૂણમાનો ઉત્સવ ઉજવાશે.