નડિયાદ સંતરામ મંદિર ખાતે ભવ્ય સાકર વર્ષા યોજાઇ : હજારો ભક્તો ઉમટયા
- શ્રી સંતરામ મહારાજના 192 માં સમાધિ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી
- ત્રણ વખત ઓમકાર પછી બે મિનિટના મૌન બાદ પુનઃ ઓમકારના જય જય કાર અને જય મહારાજના ગગન ભેદી નાદ સાથે સાકર વર્ષા કરાઇ
આજે નડિયાદ સંતરામ મંદિર ખાતે સાંજે મહાઆરતી બાદ જય મહારાજ અને જય જય કારના નાદ સાથે સાકર વર્ષા યોજાઈ હતી. આ સાકર વર્ષાનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડયા હતા. નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ મહારાજના ૧૯૨ મા સમાધિ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહાપુર્ણીમા એ મહારાજે જીવિત સમાધિ લીધી હતી. આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઈ હતી. આ પરંપરા મુજબ આજે મહા પૂનમે વહેલી સવારે ઘ્યાન, તિલક દર્શન ત્યાર બાદ મંગલા આરતી યોજાઇ હતી. જ્યારે સંઘ્યા ટાણે સંતરામ મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજ દ્વારા મહા આરતી ઉતારવામાં આવી હતી. આ મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે. મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરના મહંતના હસ્તે સાકર વર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ગાદી મંદિરના સંતો તથા નીજ ભક્તો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી. ત્રણ વખત ઓમકાર પછી બે મિનિટ મૌન બાદ પુનઃ ઓમકારના જય જય કાર અને જય મહારાજના ગગન ભેદી નાદ સાથે સાકર વર્ષા કરવામાં આવી હતી. જેમાં મંદિર પરિસરમાં સ્વયંસેવકોએ જોળીમાં ભરી સાકર અને કોપરાની ઉછામણી કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ઉછામણીમાં ભક્તો સાકર પ્રસાદી સ્વરૂપે ઝીલે છે અને ખાસ પ્રસંગોએ કે પરિક્ષાના સમયે સાકર મોંમા મૂકીને મંગલ કાર્યનો પ્રારંભ કરે છે. આજે માઘની પૂનમ નિમિત્તે મંદિરમાં વહેલી સવારથી શરૂ થયેલો શ્રઘ્ધાળુઓનો ધસારો રાત્રે મંદિરના દ્વાર બંધ થતા સુધી અવિરત જારી રહ્યો હતો. હજારો શ્રઘ્ધાળુઓ આજે સમાધિ સ્થાન અને પૂ. સંતરામ મહારાજની ગાદીના દર્શન કરી કૃતજ્ઞા બન્યા હતા. પૂ. રામદાસજી મહારાજે દર્શનાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમયે મંદિરમાં ૧૫૦ થી વધુ સંતશ્રીઓ, સંતરામ મંદિરની અન્ય શાખાના મહંતશ્રીઓ, ભક્તો ઉપસ્થિત રહી મહા આરતી અને સાકર કોપરાના પ્રસાદીનો લાભ લીધો હતો.
મહા પૂનમના મેળામાં હજારો લોકો ઉમટી પડયા
નડિયાદ સંતરામ મંદિર ખાતે મહા પૂનમના મેળાને લઇ પારસ સર્કલ થી સ્ટેશન રોડ પર ઠેર આનંદ પ્રમોદ ના સાધનો તેમજ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેથી ખૂણે ખૂણેથી મેળાનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મેળામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
1500 કિલો સાકર અને 500 કિલો કોપરાની ઉછામણી કરવામાં આવી
મહા પૂનમ નિમિત્તે સંતરામ મંદિરમાં ભક્તો દ્વારા ૧૫૦૦ કિલો સાકર અને ૫૦૦ કિલો કોપરા ની જય મહારાજના નાદ સાથે ઉછામણી કરવામાં આવી હતી. આ સાકર વર્ષાનો પ્રસાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડયા હતાં.