ડાકોરના ગોપાલલાલજી પાલખીમાં ભક્તો સાથે ધૂળેટી રમવા નિકળ્યાં

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ડાકોરના ગોપાલલાલજી પાલખીમાં ભક્તો સાથે ધૂળેટી રમવા નિકળ્યાં 1 - image


- કુંજ એકાદશીએ ભગવાન લાલબાગમાં નવરંગે રંગાયા

- લક્ષ્મીજી મંદિરે પણ રંગોત્સવ ઉજવાયો : આજથી પાંચેય ભોગમાં ભગવાન- ભક્તો સાથે રંગોળી ખેલ ઉજવશે

ડાકોર : ડાકોરમાં મંદિરેથી કુંજ એકાદશીની પાલખીયાત્રામાં ગોપાલલાલજીને વાજતે ગાજતે લાલબાગમાં લઈ જવાયા હતા. જ્યાં ભગવાન- ભક્તો સાથે ધૂળેટી રમ્યા હતા. ડાકોરમાં રણછોડરાયજીને ફૂલદોલોત્સવ સુધી પાંચેય ભોગમાં રંગોળી ખેલ અને રંગોત્સવ ઉજવવામાં આવશે.  

મંદિરના સેવક પિન્ટુભાઈ બાપજીના જણાવ્યા પ્રમાણે, આજથી પાંચેય ભોગમાં ડાકોરના ઠાકોરને નવરંગોથી રંગવામાં આવશે. આજે ઠાકોરજીની ઉથ્થાપન આરતી થયા પછી સાહી સવારી પાલખીમાં નીકળી હતી. જેમાં ગોપાલાલજીને ઠાકોરજીની આજ્ઞાા માળા ધારણ કરાવી ભક્તો સાથે રંગોળી ઉત્સવ મનાવવા માટે  લાલબાગમાં લઇ જવામાં આવ્યા હતા. સવારી સાથે વડોદરાથી પરંપરાગત આવતી ભજન મંડળી અને ડાકોરના ભાવસાર મંડળના સભ્યો સાથે ગોપાલલાલજી લાલબાગમાં ગયા હતા. જ્યાં તેમને નવરંગોથી રંગવામાં આવ્યા હતા અને જે રંગોની છોળો ભક્તો પર પણ ઉછાળવામાં આવી હતી. સાંજે રંગોત્સવ મનાવી ગોપાલલજી સાથે લક્ષ્મીજીએ પણ રંગોત્સવનો ઉત્સવ ઉજવ્યો હતો. વસંતપંચમીથી ઠાકોરજી શણગાર ભોગમાં રંગોત્સવ ઉજવતા હતા પણ આજે કુંજ એકાદશીના દિવસથી ઠાકોરજીને પાંચેય ભોગમાં રંગોળી ખેલ અને રંગોત્સવ ઉજવવામાં આવશે. જે ફુલદોલોત્સવ સુધી આ ઉત્સવને મંદિરના સેવકભાઈઓ અને દર્શનાર્થીઓ ઉજવશે. 

આમ આજે ડાકોરમાં કુંજ એકાદશી સાથે આમલકી એકાદશી મનોરથ ડાકોર મંદિરમાં ઉજવવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ સવારીમાં જોડાયા હતા. કેટલાય ભક્તો દર કુંજ એકાદશી ભરવા ડાકોર આવે છે ત્યારે અગાઉ ભગવાનની સવારી ગજરાજ પર લઈ જવાતી હતી. બાદમાં હવે પાલખી યાત્રામાં ભગવાનની સવારી જોઈ જૂના ભક્તો નિરાશ પણ થયા છે. 


Google NewsGoogle News