પાલિકાની કરાર શરતોનું પાલન ના કરતા ગોમતી નૌકા વિહારનો ઈજારો રદ કરાયો
- તળાવની સફાઇ કરાતી ન હોવાથી કાર્યવાહી
- વારંવારની સુચનાઓ છતાંય કરારનામાનું પાલન કરાતું ન હોવાથી આખરે નિર્ણય લેવાયો
ડાકોર ગોમતી તળાવ છેલ્લા ઘણાં સમયથી ગંદકી અને જંગલી વેલોમાં સપડાયેલું છે જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ગોમતી નૌકા વિહારના નામે ઈજારો રાખતા ઈજારાધારકનો ઈજારો નોટિસ આપીને રદ કરવામાં આવ્યો છે.
ડાકોર પાલિકા દ્વારા તા.૨૮/૪/૨૦૨૨થી પાંચ વર્ષ માટે ગોમતી તળાવમાં બોટીંગ ચલાવવા માટે ઈજારો આપવામાં આવ્યો હતો. જે ઈજારા અન્વયે કરાયેલ કરારનામાની શરત મુજબ ઈજારદાર પંકજ વિનુભાઈ પટેલ દ્વારા ગોમતી તળાવની સફાઈ કરાવવાની થાય છે. જે તેઓ દ્વારા કરાવવામાં આવતી ન હોવાનું જણાઈ આવતાં ડાકોર પાલિકા કચેરી દ્વારા પત્ર જા.નં.૯૫, તા.૧૯/૨/૨૦૨૪ના રોજ આ બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
હાલ તેઓ દ્વારા નગરપાલિકાને ૨૨/૫/૨૦૨૪ના રોજથી કરારનામાની શરત મુજબની ગોમતી તળાવની સફાઈ કામગીરી પણ બંધ કરાયેલ જેની જાણ લેખિતમાં નગરપાલિકાને કરાયેલ છે. ગોમતી તળાવની સફાઈ ન કરી તેઓ દ્વારા વારંવાર કરારનામાની શરતોનો ભંગ કરેલ છે. ગોમતી તળાવની સફાઈ કરાવવા તેઓને ડાકોર પાલિકા દ્વારા બે વખત ઓફિસ ખાતે તેમજ એક વખત હોડી સ્ટેન્ડ ખાતે મૌખિક જાણ કરવામાં આવેલ. આમ છતાં તેઓ દ્વારા ગોમતી તળાવની સફાઈ કરાવવામાં આવતી ના હોવાથી તેઓને ઈજારો ડાકોર પાલિકા અત્રેથી રદ કરવામાં આવે છે તેવી લેખિતમાં પાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે.