નડિયાદ કોલેજ રોડ પર કચરાના ઢગલાથી રોગચાળાની દહેશત
- ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના કાગળ પર નિયમિત કચરો ઉઠાવવામાં ન આવતા કચરાના ઢગલા
નડિયાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવી રહ્યો છે પરંતુ સફાઈ કામદારો દ્વારા છેવાડા ની સોસાયટીઓમાં સાફ-સફાઈ કરવામાં ભારે બેદરકારી રાખવામાં આવતી હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે.
આ અંગે સોસાયટીના રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં ન આવતા નગરજનોમાં પાલિકા તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી છે.
નડિયાદ શહેરના કોલેજ રોડ પર કિશન સમોસાના ખાચામાં દેવાશીષ સોસાયટી, મારુતિ સોસાયટી સહિત અનેક સોસાયટીઓ આવેલ છે. આ સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના હેઠળ કામગીરી થતી ન હોય સોસાયટીમાં કચરો ગંદકીના ઢગલા સર્જાયા છે. જેના કારણે જીવજંતુ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેથી રોગ ચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. ત્યારે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી નું મોનિટરિંગ કરી દરેક સોસાયટીઓમાં નિયમિત પણે સફાઈ તેમજ કચરો ઉપાડવા સ્થાનિક રહીશો માંથી લાગણી વ્યાપી છે.