નડિયાદમાં 3 સ્થળ સહિત ખેડા જિલ્લામાં આજે ગણેશ વિસર્જન
- 10 દિવસની ગણેશજીની આરાધના બાદ
- ગણેશની મૂર્તિના વિસર્જનની તૈયારીને તંત્રએ આખરી ઓપ આપ્યો, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે
નડિયાદમાં ત્રણ સ્થળે ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં કોલેજ રોડ કેનાલ પર ૨ સ્થળે અને પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ સ્થિત કેનાલમાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. ગણેશ વિસર્જનની તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ, માતર, કપડવંજ, ખેડા, મહુધા, સેવાલીયા (ગળતેશ્વર), વસો, કઠલાલ, ઠાસરાના તાલુકા મથકોએ અને ગામતળના નહેર, નદી કાંઠે ગણેશ ભક્તો ઉમટશે અને શ્રીજીનું વિસર્જન કરશે.જાગૃતિના કારણે મોટાભાગની સોસાયટી, પોળના લોકોએ પ્રસ્થાપિત કરેલી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂતનું પોતાની સોસાયટી, પોળમાં જ હોજ બનાવી વિસર્જન કરવામાં આવશે. આજે મંગળવારે ડીજીના તાલ અને ઢોલ નગારાના સૂર તાલ સાથે દૂંદાળા દેવની વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળશે.
વિસર્જન યાત્રા અને નહેર, નદી કાંઠે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસનો કાફલો સ્ટેન્ડ ટુ રહેશે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નડિયાદ શહેરના વિસ્તારમાં આવતીકાલથી બપોરે ૧૨ વાગ્યાથી નડિયાદ શહેરમાં તમામ ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યા સુધીના સમય દરમ્યાન વાહન વ્યવહારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.