નડિયાદમાં જર્જરિત દુકાનની ગેલેરી, સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિને ઇજા
- પાલિકાએ નોટિસ આપી છતાં દુકાન માલિકે ગંભીરતા ન દાખવી
- સદનસીબે મોટી જાનહાનિ ટળી ચોમાસામાં જર્જરિત મકાનો જોખમી બન્યા
નડિયાદ શહેરમાં સોશિયલ ક્લબ રોડ પરની દુકાનોની લાઈનમાં મોટાભાગે નીચે દુકાનો છે અને તેની ઉપર પહેલા માળે દુકાનો આવેલી છે. આ પૈકી નગરપાલિકા તરફના કોર્નર પર પહેલા માળે એક વકીલની ઓફીસ આવેલી છે અને આ વકીલની ઓફીસ જર્જરીત બની હોય, ગુરુવારે જ તે ઓફીસ ઉતારી લેવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી, જો કે, વકીલ દ્વારા આ નોટીસની અવમાનના કરવામાં આવી અને નોટીસ આપ્યાના માત્ર ૨ દિવસમાં આ જર્જરીત ઓફીસનો સ્લેબ તૂટી પડયો અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે.
સોશિયલ ક્લબ રોડ પર જાહેર શૌચાલયોની સામે શેરખંડ તળાવ તરફ જતા રોડના કોર્નર પર જ દુકાનો આવેલી છે. અહીંયા નીચે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ઓફીસ છે, તો તેની ઉપર એક વકીલની ઓફીસ આવેલી છે. આ વકીલ દ્વારા ઓફીસનો ઉપયોગ ઓછો કરવામાં આવતો હતો અને આ ઓફીસ છેલ્લા ઘણાંય વર્ષોથી જર્જરીત બની છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા આ જર્જરીત દુકાન ઉતારી લેવા માટે અગાઉના વર્ષોમાં પણ નોટીસો પાઠવી હતી અને ચાલુ વર્ષે ત્રણેક દિવસ ગુરુવારે જ આ વકીલને જર્જરીત ઓફીસ ખાલી કરી અને તેનુ બાંધકામ ઉતારી લેવા માટે તાકીદ કરાઈ હતી. જો કે, વકીલ દ્વારા આ નોટીસની અવગણના કરવામાં આવી અને આ વચ્ચે આજે શનિવારે એટલે કે નોટીસ આપ્યાના માત્ર ૨ જ દિવસમાં આ દુકાનનો સ્લેબ પહેલા માળેથી ધરાશાયી થયો અને નીચે કોન્ટ્રાક્ટરની ઓફીસની બિલકુલ બાજુમાં પડયો હતો.
આ દરમિયાન મજૂરીયાત વર્ગનો એક વ્યક્તિ ત્યાં સુઈ રહ્યો હતો અને તેને આ ઘટનામાં ઈજાઓ પહોંચી છે. સદનસીબે આ આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયો હતો અને ટુંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ આ વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે, નડિયાદ નગરપાલિકા હદ વિસ્તારમાં આ પ્રકારે વર્ષો જૂના અનેક બાંધકામ જર્જરીત બન્યા છે, તેમજ નગરપાલિકા દ્વારા વારંવાર નોટીસો આપવા છતાં પણ જે-તે મિલકતના માલિકો દ્વારા આ તરફે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના પરીણામ સ્વરૂપે આ પ્રકારની બિનાઓ બની રહી છે. આ ઘટના બનતા જ ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ દરમિયાન આસપાસની તમામ દુકાનો બંધ કરાવી હતી.
આ તરફ નડિયાદ નગરપાલિકા શહેરમાં જૂના જર્જરીત બનેલા એકમોના માલિકોને માત્ર નોટીસો પર નોટીસો આપી રહી છે. આ નોટીસો માત્ર ચાલુ વર્ષે નહીં, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આપવામાં આવી રહી છે. જ્યાં સુધી કોઈ જર્જરીત એકમ તૂટી પડે નહીં, ત્યાં સુધી તેને દૂર કરવાની કામગીરી ન તો નગરપાલિકા કરે છે અને ના તો જે-તે એકમના માલિક કરે છે. પરીણામે ભવિષ્યમાં મોટી જાનહાનિ પણ થઈ શકે છે.
આ તરફ સોશિયલ ક્લબ પર પહેલા માળેથી જે ઓફીસનો સ્લેબ પડયો, ત્યાં નીચેના ભાગે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ ગોહીલની ઓફીસ આવેલી છે. અત્રે ઓફીસના કામકાજને લગતા અને અન્ય મિત્ર વર્તુળથી લઈ કામદારોની અવર-જવર રહેતી હોય છે. તેમજ સાંજ પડયે તો આ ઓફીસ પાસે લોકોના ટોળા હોય છે અને જે જગ્યાએ સ્લેબ તૂટીને પડયો, ત્યાં જ લોકો બેઠા હોય છે. ગત મોડી સાંજે પણ આ સ્લેબ પડયો, તે જગ્યાએ જ અનેક લોકો બેઠા હતા. પરંતુ સ્લેબ આજે દિવસ દરમિયાન પડયો હતો, જે સમયે માત્ર એક મજૂરીયાત વ્યક્તિ ત્યાં આરામ કરતો હતો અને તેને સામાન્ય ઈજા પહોંચી છે. જો સ્લેબ ગત મોડી સાંજે પડયો હોત તો અનેક લોકોને ઈજા પહોંચવાની સંભાવના હતી.
નગરપાલિકાની બેવડી નીતિ
સોશિયલ ક્લબ રોડ પર વર્ષો પહેલા સરકાર દ્વારા બનાવાયેલી દુકાનો પૈકી કેટલીક વેચાણ કરી દેવાઈ હતી અને કેટલીક આજે પણ નગરપાલિકાની માલિકીમાં છે અને ભાડુઆતો તેનો વપરાશ કરી રહ્યા છે. આ જે દુકાન પડી તે વ્યક્તિગત માલિકીની હતી અને આ લાઈનમાં અન્ય અન્ય દુકાનો પણ માલિકીની છે, જે જર્જરીત હોય બંધ કરવામાં આવી રહી છે. તો આ જ લાઈનમાં રોડની શરૂઆતમાં જ હાલ નગરપાલિકાની માલિકીની જે દુકાનો ભાડુઆતો ઉપયોગ કરી રહ્યા છે, તે દુકાનો નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અને નગરપાલિકા પ્રશાસન અને સત્તાધીશોના મેળાપીપણામાં ભાજપના વોર્ડ નં.૧ના કાઉન્સિલર અને બાંધકામ સમિતિના ચેરમેન ભારતીબેન પંડયાના પતિ દ્વારા ૨થી ૩ લાખ પ્રતિ દુકાને લઈ અને સમારકામ કરવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર સમારકામ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળના ધ્યાનમાં હોવા છતાં કોઈ પગલાં લેવા માટે તેઓ તૈયાર ન હોવાની ચર્ચા ઉઠી છે. જેથી એક જ લાઈનમાં આવેલી દુકાનોમાં કાર્યવાહીની બાબતે નગરપાલિકાની નીતિ ભિન્ન હોવાનું જણાઈ રહ્યુ છે.