કપડવંજ ખાતેથી રૂા. 2.16 લાખનો દારૂ ભરેલી કાર પકડાઈ, ચાલક ફરાર
- ખેડા જિલ્લામાં દારૂની બદી બેકાબૂ બની
- એસએમસીનો અઠવાડિયામાં ત્રીજી વખત મોટી માત્રામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ખેડા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા હવે રાજ્યના પોલીસ વિભાગની ટીમોએ સક્રિય થવું પડયું છે. શનિવારના રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી અમદાવાદની સાયબર ક્રાઇમ પોલીસની ટીમે વિદેશી દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ અગાઉ પણ કઠલાલ પંથકમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે દરોડો પાડી આવી વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિને ઉઘાડી પાડી હતી. એસએમસીએ આજે વધુ એક વખત જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. જિલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગત મોડીરાત્રે વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લીધી છે.
એસએમસી પોલીસની ટીમે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની પાખિયા ચોકડી પાસે કારને અટકાવી હતી. જોકે ચાલક પોલીસને થાપ આપી નાસી છૂટયો હતો. બીજી તરફ કારમાં તલાસી લેતા જંગી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂની કુલ ૨,૧૫૯ બોટલો કિંમત રૂપિયા ૨,૧૫,૯૦૦ તેમજ ગુનામાં વપરાયેલી કાર મળી કુલ રૂપિયા ૮,૧૫,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ફરાર કાર ચાલક તેમજ કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.