ખેડાના બેટરી લાટના ગોડાઉનમાંથી રૂા. 2.55 લાખના 7 એસી ચોરાયા
- ટાઉન પોલીસ મથકમાં કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ
- સીસીટીવી ફૂટેજમાં લીંબાસીમાં રહેતા અને કંપનીમાં કામ કરતા કર્મચારીએ ચોરી કર્યાનું ખૂલ્યું
ખેડા તાલુકાના બેટડી લાટ સીમમાં નોર્થ લોજિસ્ટિક પ્રાઇવેટ કંપનીના વેરહાઉસ આવેલા છે. આ વેરહાઉસમાં એસીના સ્ટોકની ગણતરી કરતા સાત એસી ઓછા જણાઇ આવ્યા હતા.
જેથી કંપનીના અધિકારીએ તમામ કર્મચારીઓની પૂછપરછ કરતા કર્મચારીઓએ ચોરી કર્યાનો ઇન્કાર કર્યો હતો. જેથી કંપનીના અધિકારી દ્વારા વેરહાઉસમાં લગાડેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરતા કંપનીમાં કામ કરતા ષિ અમિતભાઈ પટેલ રહે. લીંબાસીવાળાએ વેરહાઉસના પાછળના શટરના દરવાજે થઈ એસીની ચોરી કરી લઈ જતો જોવા મળ્યો હતો.
આમ સીસીટીવી ફૂટેજની તપાસમાં વેરહાઉસમાંથી સાત એસી કિંમત રૂ.૨,૫૪,૫૬૬ની ચોરીનો ભેદ ખુલવા પામ્યો હતો.
આ બનાવ અંગે કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ અમરતભાઈ ખોડાભાઈ મકવાણા (રહે. બેહરામપુરા, અમદાવાદ)એ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ષિ જૈમીનભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.