વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી રૂા. 78 હજારની ઓનલાઈન છેતરપિંડી
- આંકલાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરૂધ્ધ ફરિયાદ
- કસ્ટમર કેરમાં ફોન કરતા એપ ડાઉનલોડ કરાવી અને ઓટીપી નંબર માંગી ઠગાઈ
આણંદ : આંકલાવના એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા ગઠિયાએ રૂા.૭૮ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવા અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે અજાણ્યા ગઠીયા વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંકલાવની ઈન્દિરા કોલોનીમાં રહેતા નગીનભાઈ પરસોત્તમભાઈ મકવાણાએ ગત તા.૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પોતાના મોબાઈલથી બીઓબી વર્લ્ડ બેંકની ઓનલાઈન એન્ટ્રી બતાવતી ન હોઈ કસ્ટમર કેર નંબર ઉપર સંપર્ક કરી ઈન્કવાયરી કરી હતી.
દરમ્યાન સામેવાળી વ્યક્તિએ કસ્ટમર કેરમાંથી વાત કરતા હોવાનું જણાવી અવલડેસ્ક નામની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હતી અને મોબાઈલમાં આવેલ ઓટીપી મેળવી નગીનભાઈના ખાતામાંથી રૂા.૭૮ હજાર અન્ય મોબાઈલ નંબર ઉપર ટ્રાન્સફર કરી દીધા હતા.
જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતા નગીનભાઈ મકવાણાએ આ અંગે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.