માતરના સીજીવાડાના ખેડૂત સાથે રૂપિયા 20.50 લાખની છેતરપિંડી
- એમ.એસ.એગ્રો ઈન્ડસ્ટ્રિયલ કંપનીના માલિક સામે ગુનો
- કટર ખરીદવા પંજાબના નાભા ગામની કંપનીને નાણાં ચૂકવ્યા છતાં કટર ન આપતા ફરિયાદ
સીજીવાડા ગામે રહેતા ખેડૂત મનુભાઈ મણીભાઈ રાઠોડના ભત્રીજા ગોવિંદ વિઠ્ઠલભાઈ રાઠોડ અને મિત્ર દિલીપભાઈ રમેશભાઈ ગોહેલને ભાગીદારીમાં કટર લેવું હતું. જોકે, બંનેના નામે જમીન ન હોવાથી બેંકમાંથી લોન મળી શકે તેમ નહતી. જેથી મનુભાઈએ પોતાના નામે લોન લેવાનું નક્કી કર્યું હતું. કટર ખરીદવા પરીયજ ગામના ભાવેશભાઈનો સંપર્ક કરતા તેણે પંજાબના નાભામાં આવેલી એમ.એસ. એગ્રો ઈન્ડસ્ટ્રિયલ કંપનીના કટર સારા હોવાનું જણાવ્યું હતું. જેથી વોટ્સએપ પર કટરના ફોટો મંગાવી, કટર પસંદ આવતા કંપનીના માલિક અવતાર ઉર્ફે તારીખે કટરની કિંમત રૂ.૨૬.૧૦ લાખ જણાવી કોટેશન કાઢી આપ્યું હતું. જેથી કંપનીના માલિકને રૂ.એક લાખ ચૂકવી આપ્યા હતા.
બાદમાં ગોવિંદ અને દિલીપભાઈ નાભા ગામે આવેલી કંપની ખાતે ગયા હતા. ત્યારે કંપનીના માલિકે બાકીના પૈસા તમે આરટીજીએસ કરો ત્યારે તમને કટર આપી દઈશુ તેવી વાત કરી હતી. જેથી ખેડૂતે રૂ.૧૯.૫૦ લાખ અવતારના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ખેડૂતે તા. ૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ નાભા દઈ કટર માંગતા, કટરનું કામ બાકી હોવાથી કાલે આપી દઈશું તેમ જણાવ્યું હતું.
જોકે, બાદમાં કટર ન આપતા ખેડૂતે કંપનીના માલિક અવતાર ઉર્ફે તારીખ વિરૂદ્ધ લિંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.