ચકલાસીના રામપુર ગામના ખેડૂત સાથે રૂપિયા 1.14 લાખની ઠગાઈ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
ચકલાસીના રામપુર ગામના ખેડૂત સાથે રૂપિયા 1.14 લાખની ઠગાઈ 1 - image


- ઈન્સ્ટાગ્રામ પર સીએસસી શરૂ કરવાની લોભામણી જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો

નડિયાદ : સોશિયલ મીડિયા પર સીએસસી ખોલવાની લોભામણી જાહેરાત જોઈ ચકલાસીના રામપુરના ખેડૂતે અજાણ્યા શખ્સનો સંપર્ક કર્યો હતો અને સીએસસી ખોલવાની લ્હાયમાં રૂ. ૧.૧૪ લાખ ગુમાવ્યા હતા. આ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   

રામપુરમાં રહેતા ખેડૂત નિલેશકુમાર કીરીટભાઈ વાઘેલા (ઉં.વ. ૩૦) ગત તા. ૨૧ ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર સરફિંગ કરી રહ્યા હતા. ત્યારે સીએસસી ખોલવાથી પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંકના સેવિંગ્સ ખાતા ખોલવાનું અને તે સિવાયની અન્ય સર્વિસ પણ આપી શકાય તેવી લોભામણી જાહેરાત જોઈ હતી. 

જેથી તેમણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં સામેથી બોલતા શખ્સે પોતાની ઓળખ અમિત પટેલ તરીકે આપી હતી. તેમજ સીએસસી આઈડી ખોલવા માટે વિવિધ ડોક્યુમેન્ટ્સ માંગી એક કોરૂ ફોર્મ પીડીએફમાં મોકલ્યું હતું. 

બાદમાં તા.૨૪ ઓગસ્ટથી ખેડૂતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ. ૧,૧૪,૭૦૦ અમિતને ચૂકવ્યા હતા. તેમછતાં શખ્સ સીએસસી ખોલવા માટે બહાના બનાવતો હતો. ત્યારબાદ મોબાઈલ કે ઈન્સ્ટાગ્રામ થકી પણ સંપર્ક થઈ ન શકતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ખેડૂતને ધ્યાને આવ્યું હતું.

જેથી આ અંગે ખેડૂતે સાયબર હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ચકલાસી પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News