For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા બેઠકના 12 ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં સીલ થશે

Updated: May 7th, 2024

ખેડા બેઠકના 12 ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં સીલ થશે

- 20.7 લાખ મતદારો તેમના પ્રતિનિધિને ચૂંટવા મતદાન કરશે

- હીટવેવની સ્થિતિને જોતા 883 મતદાન મથકો પર કુલર મુકાશે, 2,037 મતદાન મથકો પર મતદાન થશે

નડિયાદ : આજે દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ અને મહુધાના મતદારો પોતાનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં કોણ કરશે, તેનો ફેંસલો કરવા મતદાન કરશે. સાતેય વિધાનસભાના કુલ ૨૦.૦૭ લાખ મતદારો નોંધાયેલા છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ સહિત સામાજીક અને સ્વૈચ્છક સંસ્થાઓ અને વ્યક્તિઓએ અનેક પ્રયાસો કર્યા છે. ત્યારે આજે તાપની વચ્ચે કેટલુ મતદાન થાય છે, તેની પર સૌની નજર છે.

આ વખતની ચૂંટણીમાં પણ બંને પક્ષ વચ્ચે સીધો જંગ છે. જેમાં કોંગ્રેસના કાળુસિંહ ડાભી મેદાનમાં છે, તો સામે ભાજપે દેવુસિંહ ચૌહાણને રીપીટ કર્યા છે. છેલ્લી ત્રણ ચૂંટણીની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં ૬૧.૦૪ ટકા મતદાન નોંધાયુ હતુ. વર્ષ ૨૦૧૪માં ૫૯.૮૬ ટકા મતદાન નોંધાયુ હતુ અને વર્ષ ૨૦૦૯માં ૪૧.૦૬ ટકા મતદાન નોંધાયુ હતુ. સામાન્ય રીતે મતદાન વધતુ ગયુ છે. વર્ષ ૨૦૦૯માં ૬.૦૨ લાખ લોકોએ મતદાન કર્યુ હતુ. જ્યારે વર્ષ ૨૦૧૪માં ૯.૫૭ મતદારો અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૦.૯૮ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ વખતે ૭ મેના દિવસે તાપમાનનો પારો ૪૨ ડીગ્રી રહેશે,

 ત્યારે આ આકરા તાપ વચ્ચે કેટલુ મતદાન થાય છે, તેની પર સૌની નજર છે. તો વળી, આ મતદાન કરનારા મતદારો કોને ખેડા લોકસભામાંથી દિલ્હી મોકલશે, તે પરીણામ આવ્યા બાદ જ જાણ થશે. આ ચૂંટણીમાં ૨૦.૦૭ લાખ મતદારો ખેડા લોકસભાની ૭ વિધાનસભામાં નોંધાયેલા છે. ત્યારે હવે આ મતદાનની પ્રક્રિયામાં ફરજ બજાવવા માટે કુલ ૧૦,૯૯૯ કર્મચારીઓ તૈનાત રહેશે. 

જેમાં દસક્રોઈમાં કુલ ૨૦૬૮, ધોળકામાં ૧૩૭૨, માતરમાં ૧૫૨૮, નડિયાદમાં ૧૩૪૫, મહેમદાવાદમાં ૧૪૯૦, મહુધામાં ૧૪૩૬ અને કપડવંજમાં ૧૭૬૦ કર્મચારીઓ ફરજ બજાવશે. તો સાથે મતદાન મથકોની વાત કરીએ તો દસક્રોઈમાં ૩૮૩, ધોળકામાં ૨૫૪, માતરમાં ૨૮૩, નડિયાદમાં ૨૪૯, મહેમદાવાદ ૨૭૬, મહુધામાં ૨૬૬ અને કપડવંજમાં ૩૨૬ મતદાન મથકો પર મતદાન થશે. 

કુલ ૧૦,૯૯૯ કર્મચારીઓ પૈકી ૮૧૪ કર્મચારીઓ રીઝર્વ રહેશે જ્યારે મતદાન સ્ટાફમાં ૮૧૮૪ કર્મચારી અને પટ્ટાવાળા તરીકે ૨૦૩૭ કર્મચારી તૈનાત હશે. કુલ ૨૦.૦૭ લાખ પૈકી ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ મતદારોની વાત કરીએ તો ૧૬,૫૧૬ અને ૨૦,૫૨૩ દિવ્યાંગ મતદારો ફરજ બજાવશે. આ તમામ વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે, ૨૬૬ મતદાન સ્થળો પર શેડ ન હોવાથી મંડપ બાંધી અને મતદાન કરવામાં આવનાર છે.

Gujarat