આગરવા ગામના ખેડૂતો નીલગાયના ત્રાસથી પરેશાન
- પાકમાં અંદાજે 30 ટકા સુધીનું નુકસાન
- પાકના યોગ્ય ભાવ નહીં મળવા, મજૂરોનો પ્રશ્ન, વાંદરા, ભૂંડ, રખડતી ગાયો, નીલગાયથી ખેડૂતો ત્રસ્ત
ઠાસરા : ઠાસરા તાલુકાના આગરવા ગામના માજી સરપંચ તેમજ ખેડૂતોએ પોતાના ગામ વિસ્તારમાં નીલગાયોના રંજાડ બાબતે આક્રોશ પ્રકટ કર્યો છે અને ઊભા પાકને થતા નુકસાનમાંથી બચાવવા વનવિભાગને કામગીરી કરવા યોગ્ય કાર્યવાહી કરવા ધા નાખી છે.
ગામના ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે હાલ રવી સીઝનમાં ઘઉં, ટામેટી, રાજગરો તેમજ તમાકુ જેવા ઊભા પાકોને નીલગાય (રોઝ) દ્વારા ઘણું નુકસાન કરવામાં આવે છે. તેમણે રજૂઆત કરી છે કે, જો વન વિભાગ દ્વારા નીલગાયનો કોઈક રસ્તો શોધી અપાય તો ખેડૂતોના પાકને નુકસાન થતું અટકશે. ખેડૂતોને કુદરતી માર ઉપરાંત, યોગ્ય ભાવ નહીં મળવા તથા મજૂરોનો પ્રશ્ન છે, સાથે વાંદરા, ભૂંડ, રખડતી ગાયો તેમજ નીલગાયો ઊભો પાક બગાડીને ખેડૂતોને બેવડો ફટકો મારે છે.
આગરવા ગામમાં ટામેટી, ઘઉં,રાજગરા,તમાકુમાં અંદાજે ૨૦થી ૩૦ ટકા નુકસાન થયું હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોના ઊભા પાકને થતા નુકસાનમાંથી બચાવવા વન વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.