ઠાસરાના ગઢવીના મુવાડામાં સાપે ડંખ મારતા ખેડૂતનું મોત
- બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
- ખેતરમાં ભીંડા વીણતા હતા ત્યારે દુર્ઘટના ઘટી
ઠાસરા : ઠાસરા તાલુકાના ગઢવીનામુવાડા ગામે ખેતરમાં ભીંડા વીણી રહેલા ખેડૂતને સાંપે ડંખ માર્યો હતો. ખેડૂતને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતાં પરિવાર પર આભ ફાટી પડયું હતું.
ગઢવીનામુવાડા ગામે રહેતા ખેડૂત દશરથભાઈ ડાભયભાઈ ખાંટ (ઉં.વ. ૩૭) બુધવારે સવારે પોતાના ખેતરમાં ઉગાડેલા ભીંડા વીણતા હતા. ત્યારે એક ઝેરી સાંપે તેમના પગની આંગળી ઉપર ડંખ મારતા ખેડૂત બેભાન થઈ ગયા હતા. જેથી બીજા ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા અને દશરથભાઈને કારમાં ઠાસરા સરકારી દવાખાને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકના મોતથી તેમના પત્ની અને બે નાના બાળકો નિરાધાર બન્યા છે.