For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા બેઠકમાં 2,037 મતદાન મથકો ખાતે સોમવારે ઈવીએમ,વીવીપેટ રવાના કરાયા

Updated: May 7th, 2024

ખેડા બેઠકમાં 2,037 મતદાન મથકો ખાતે સોમવારે ઈવીએમ,વીવીપેટ રવાના કરાયા

- 7 ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટરો ખાતેથી કામગીરી

- ડિસ્પેચિંગ સેન્ટરો ખાતે ચૂંટણી સ્ટાફ માટે મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાઈ

નડિયાદ : ખેડા લોકસભા બેઠક પર તા. ૬ મે ને સોમવારના રોજ સાત રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી કુલ ૨,૦૩૭ ઈવીએમ, વીવીપેટ સહિત ચૂંટણીલક્ષી સામગ્રીઓનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝોન પ્રમાણે વિતરણ કરવામાં આવ્યું હતું. 

૧૧૫-માતર વિધાનસભા બેઠકના ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી કુલ ૨૮૩ ઈવીએમ-વીવીપેટ, ૧૧૬-નડિયાદ વિધાનસભા બેઠક ખાતેથી કુલ ૨૪૯ ઈવીએમ-વીવીપેટ, ૧૧૭-મહેમદાવાદ ખાતેથી કુલ ૨૭૬ ઈવીએમ-વીવીપેટ, ૧૧૮-મહુધા ખાતેથી કુલ ૨૬૬ ઈવીએમ-વીવીપેટ, ૧૨૦-કપડવંજ ખાતેથી કુલ ૩૨૬ ઈવીએમ-વીવીપેટ, ૫૭-દસક્રોઈ ખાતેથી કુલ ૩૮૩ ઈવીએમ-વીવીપેટ અને ૫૮-ધોળકા ખાતેથી કુલ ૨૫૪ ઈવીએમ-વીવીપેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

ઝોનલ અધિકારીઓ, રૂટ સુપરવાઈઝર અને રૂટ ગાર્ડની સાથે આ ઈવીએમ-વીવીપેટને સંબધિત મતદાન બૂથોએ રવાના કરાયા હતા. 

આ પ્રસંગે મતદાન બૂથોનાં પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરોને ઓર્ડર વિતરણ, ટીમ ફોર્મેશન સહિતની કામગીરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હિટવેવની આગાહીને ધ્યાને રાખીને ડિસ્પેચિંગ સેન્ટર ખાતે સ્ટાફ માટે પાણી, દવાઓ સહિતની મેડીકલ ટીમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

ચૂંટણી જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝા અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો ખાતે આવેલા સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Gujarat