દિવાળીને ગણતરીના દિવસો બાકી છતાં નડિયાદ શહેરની બજારોમાં મંદીનો માહોલ
નડિયાદ : નડિયાદ શહેરની બજારમાં માત્ર શહેરીજનો જ નહીં પરંતુ તાલુકા, જિલ્લાભરમાંથી લોકો ખરીદી માટે ઉમટતા હોય છે. સામાન્ય રીતે દિવાળીના ૧૦ દિવસ પહેલાથી લોકો ખરીદી કરવાની શરૂઆત કરી દેતા હોય છે. કપડાં, ફટાકડા, સુશોભનની વસ્તુઓ સહિતની ખરીદી પર્વ પૂર્વે થઈ જતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના પર્વને ત્રણ-ચાર દિવસો બાકી રહ્યા હોવા છતાં બજારમાં ઘરાકી જોવા મળી રહી નથી. નડિયાદના સંતરામ રોડ, ડુમરાલ બજાર, અમદાવાદી બજાર, સલુણ બજાર, ડભાણ ભાગોળ સહિતના મોટા બજાર વિસ્તારોમાં ઘર સજાવટની વસ્તુઓ, દીવડા, ફટાકડા સહિતની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. શનિવારે ગ્રાહકો ઉમટશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા હતા. પરંતુ સાંજ સુધી બજારમાં ઘરાકી જામી ન હતી. જોકે, કપડાની દુકાનોમાં ધીમીધારે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઘરાકી શરૂ થતાં દિવાળીના દિવસ સુધીમાં ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર અને નૂતન વર્ષ મહિનાની અંતિમ તારીખોમાં છે. શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે મધ્યમવર્ગ નોકરીયાત હોય છે. ત્યારે નોકરીયાતોના વહેલા પગાર થાય અથવા બોનસ મળે તેવી રાહે હોવાથી ઘરાકી જામી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.