Get The App

આઈશરમાં હેરાફેરી કરાતો રૂા. 7.50 લાખનો દારૂ જપ્ત

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
આઈશરમાં હેરાફેરી કરાતો રૂા. 7.50 લાખનો દારૂ જપ્ત 1 - image


- કપડવંજની રેલિયા ચેકપોસ્ટ પરથી 

- ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત

નડિયાદ : કપડવંજની રેલિયા ચેકપોસ્ટ પરથી બિસ્કીટની આડમાં રૂ.૭.૫૦ લાખનો વિદેશી દારૂ લઈ જતા આઈશર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને કપડવંજ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. હરિયાણાના શખ્સે દારૂ અમદાવાદ મોકલ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તેમજ કુલ રૂ.૪૨.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  કપડવંજ ગ્રામ્ય પોલીસ શનિવારે રાત્રે પેટ્રોલિંગ પર હતી, ત્યારે મોડાસા-બાયડ તરફથી બિસ્કીટની આડમાં વિદેશી દારૂ ભરેલી ટ્રક કપડવંજ તરફ આવવાની હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કપડવંજની રેલિયા ચેકપોસ્ટ પાસેથી બાતમી મુજબની ટ્રકને અટકાવી હતી. ટ્રકમાં તલાશી લેતા બિસ્કીટના બોક્સની પાછળ સંતાડેલી ૩,૫૭૬ નંગ વિદેશી દારૂની બોટલો અને ક્વૉટર મળી આવ્યા હતા. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની પુછપરછ કરતા, તે ઈકલાસ સમ્મુ ખાન (રહે. સિરોલી કલા, જિ. અલવર, રાજસ્થાન)અને સૈકુલ ઉસ્માન ખાન (રહે. નિમ્બાહેડી, જિ. અલવર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.  તેમજ દારૂનો જથ્થો આસિક કાસમખાન (રહે. બંગોલા, જિ. નુહુ, હરિયાણા)એ મોકલ્યો હોવાની અને અમદાવાદ લઈ જવાતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે રૂ. ૭,૫૦,૦૪૦નો વિદેશી દારૂ, ૨૫.૮૧ લાખના બિસ્કીટનો જથ્થો સહિત કુલ રૂ. ૪૨.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News