કપડવંજ તાલુકાના 2 વીજ સબ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાયું
- આવનારા દિવસોમાં વીજ સમસ્યા હળવી બનશે
- ખેડૂતો, ક્વોરી ઉદ્યોગો સહિત આઠ હજાર ગ્રાહકોને લાભ થશે
આ અંગે કપડવંજ ગ્રામ્યના એમ.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઇજનેર ગિરીશ પટેલે જણાવ્યું હતું કે કપડવંજમાં ભૂતિયા અને થવાદ ગામના કુલ ૧૫ કરોડના ખર્ચે બનેલ ૬૬ કે.વી.સબ સ્ટેશન ની આ સુવિધા ઉપલબ્ધ થવાથી તાલુકાના બાથાનાકુવા, વિરણીયા, ભુતીયા,દનાદરા, ખડોલ, અંતિસર, થવાદ, કાશીપુરા, કાવઠ, ફતેપુરા, વાલ્વા મહુડા, દંતાલી, સુકી, પથોડા સહિત તાલુકાના ૮૦૦૦ જેટલા ગ્રાહકોને વીજ પુરવઠો વધઘટ વગર પૂરતા વોલ્ટેજથી મળશે. ખેડૂતોને ખેતીની સિઝનમાં લાઇનો ટ્રીપિંગ થવા માંથી છુટકારો મળશે. ઉપરાંત લાઈનમાં અંતર ઓછું થતાં ખેડૂતો કવોરી સંચાલકો અને ગ્રાહકોને વીજ પુરવઠો પૂરતા વોલ્ટેજ થી અને સમયસર મળશે. કવોરી ઇન્ડસ્ટ્રીઝને પણ ખૂબ મોટો લાભ થશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભૂતિયા ખાતે રૂપિયા ૮ કરોડ અને થવાદ ખાતે રૂપિયા ૭ કરોડ ના ૬૬ કે.વી.સબ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ, ખેડાના સાંસદ અને કેન્દ્રીય દૂર સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ઊર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કર્યું હતું.