નડિયાદમાં જુના બસ સ્ટેશનમાં રાત્રે જર્જરિત બાંધકામ કડડભૂસ થયું
- રવિવારે વાવાઝોડાંને કારણે બનેલો બનાવ
- રાત્રિના સમયે બનેલી ઘટનામાં જાનહાની ટળી : કેન્ટીનની ઉપરનો ભાગ ધરાશાયી
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે વર્ષો જૂનું મુખ્ય બસ સ્ટેશન આવેલ છે. એસ.ટી. તંત્ર દ્વારા જિલ્લામાં મોટા ભાગના બસ સ્ટેશનોનું નવેસરથી બાંધકામ કરવામાં આવ્યું છે. નડિયાદમાં પણ ત્રણ દાયકા પહેલા લાખો રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.
આ મજબૂત નવા બસ સ્ટેશનને તોડી નવું બસ પોર્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ વર્ષો જૂના બસ સ્ટેશનના મકાનની જાળવણી પ્રત્યે ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાનું રવિવારે રાત્રે જર્જરીત મકાનનો ભાગ તૂટી પડતા ઉજાગર થવા પામ્યું છે. કેન્ટીન ઉપરના મકાન જર્જરીત બાંધકામ સિમેન્ટ પતરામાં મોટું બાકોરું પાડી બસ સ્ટેશનમાં તૂટી પડયું હતું. રવિવારે રાત્રે વાવાઝોડા સાથે વરસાદ થયા બાદ જુના બસ સ્ટેશનમાં કેન્ટીન ઉપરના મકાનનું જર્જરિત થઈ ગયેલ બાંધકામ કડડભૂસ થઈ ગયું હતું.
રાત્રી સમયે બસ સ્ટેશનમા કોઈ મુસાફર ન હોય દુર્ઘટના ટળી હતી. આ અંગે ડેપો મેનેજર રીનાબેન દરજીએ જણાવ્યું હતું કે જર્જરિત મકાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે તેમજ આ અંગે એસ.ટી.નિગમને જાણ કરી હોવાનું જણાવ્યું હતું.