નડિયાદમાં વિસર્જનના બીજા દિવસે ગણેશ પ્રતિમાઓની દયનિય હાલત

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
નડિયાદમાં વિસર્જનના બીજા દિવસે ગણેશ પ્રતિમાઓની દયનિય હાલત 1 - image


- વિધ્નહર્તાની હાલત જોઈ ભક્તોની લાગણી દુભાઈ

- પ્રસાશનની બેદરકારીના લીધે મૂર્તિઓ ખંડિત હાલતમાં હોવાનો આક્ષેપ 

નડિયાદ : નડિયાદ શહેરમાં ગુરુવારે ભક્તોએ શ્રદ્ધાભેર વિધ્નહર્તાને વિદાય આપી હતી. નાની મોટી અનેક મૂર્તિઓનું નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, શુક્રવારે સવારે નહેરમાં ગણેશ પ્રતિમાઓની સ્થિતિ જોઈને ભક્તોની  લાગણી દુભાઈ હતી. પ્રશાસનની બેજવાબદારીને કારણે ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અનેક શહેરોમાં ગણેશ વિસર્જન માટે ખાસ કૃત્રિમ તળાવની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જોકે, નડિયાદમાં તંત્ર દ્વારા આવી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી મોટી નહેરમાં જ ભક્તોએ વિધ્નહર્તાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. ગુરુવારે બપોરથી શરૂ થયેલું વિસર્જન પરોઢિયે સુધી ચાલ્યું હતું. ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક નહેરમાં શ્રીજીની પ્રતિમાઓને વિસર્જિત કરી હતી. 

જોકે, શુક્રવારે નહેરમાં શ્રીજીની પ્રતિમાઓની અવસ્થાને જોઈને ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. તંત્રની બેજવાબદારી ભરી નીતિરીતિને કારણે હાલમાં નહેરમાં લાગણી દુભાય તેવી અવસ્થામાં ગણેશ પ્રતિમાઓ જોવા મળી રહી છે. નહેરમાં ઠેર ઠેર ખંડિત થયેલી પ્રતિમાઓને જોઈને લોકોની લાગણી દુભાઈ રહી છે. નહેરમાં પ્રતિમાઓની આવી સ્થિતિ થતી હોવાનું જાણતા ભક્તો દ્વારા એટલે જ શેઢી નદીમાં પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવે છે તેવું લોકોએ જણાવ્યું હતું. વિસર્જનની વ્યવસ્થા કરતું તંત્ર પ્રતિમાઓની અવદશા ન થાય તે માટે પણ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News