mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રતનપુરામાં વધુ 200 લોકોને ઝાડા-ઉલટી : 3 નાં શંકાસ્પદ મોત

Updated: Jun 19th, 2024

રતનપુરામાં વધુ 200 લોકોને ઝાડા-ઉલટી : 3 નાં શંકાસ્પદ મોત 1 - image


- પાણીજન્ય રોગચાળો બેકાબૂ : ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવા ગ્રામજનોની માંગણી

- ખેડા સિવિલમાં વધુ 27 બાળકોને સારવાર અર્થે ખસેડાયા : ગામની કન્યા શાળામાં વોર્ડ બનાવી સારવાર આપવાની શરૂ કરાઈ

નડિયાદ,ખેડા : માતર તાલુકાના રતનપુરા ગામે ફાટી નીકળેલા પાણીજન્ય રોગચાળામાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા હોવાની વિગતો બહાર આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઇ છે. તો બીજી બાજુ મંગળવારે વધુ ૨૭ બાળકોને ઝાડા-ઉલટી થઇ જતા તેઓને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દર્દીઓને પ્રાથમિક શાળામાં વોર્ડ બનાવીને સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ૧૧ ટીમો દ્વારા ગામમાં ૭૨૯ ઘરોમાં સર્વે કરીને ૩૦૦૦ નાગરિકોની તપાસણી કરાઇ હતી. ઓઆરએસ અને ક્લોરિનનું વિતરણ કરાયું હતું. 

નડિયાદ ઈન્દિરાનગરીમાં ઝાડા-ઉલટીના વાવરમાં એક મહિલાના શંકાસ્પદ મોત બાદ હવે માતરના રતનપુરામાં ઝાડા-ઉલટીના વાવરે ૩ના શંકાસ્પદ મોત થતા ફફડાટ મચી ગયો છે. માતરની રતનપુર ગામમાં ઝાડા ઉલટીના સંખ્યાબંધ કેસો નોંધાયા છે. જેને લઇને આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. રતનપુર ગામે અત્યાર સુધી અંદાજીત ૧૪૦ ઉપરાંત ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. તો વળી ગામન ૩ વ્યક્તિઓના શંકાસ્પદ મોત પણ થયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને આ વાત પણ આખા ગામમાં ફેલાઈ જતા ફફડાટ વ્યાપી ગયો છે.

માતર તાલુકાના રતનપુર ગામે છેલ્લા બે દિવસથી ઝડા, ઉલ્ટીના વાવળે માથું ઊંચક્યું છે. ઘેરઘેર ઝાડા ઉલટીના કેસો મળી આવ્યા છે અને પાણી જન્ય રોગચાળો વકરતા તાલુકાની આરોગ્યની ટીમોના ધાડેધાડા ગામમાં ઉતરી ઘેરઘેર સર્વેની કામગીરી કરી રહ્યું છે. ગામમાં આરોગ્ય વિભાગની ૧૧ ટિમો દ્વારા હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો અસરગ્રસ્તોના ઘરે ઓ આર એસના પાઉચ સહિત ક્લોરીન યુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે. ગામમાં હાલ સુધી ઝાડા ઉલ્ટીના અંદજીત ૧૪૦ જેટલા કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

ખેડાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. તો અમૂક અસરગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. ગામમાં રોગચાળો કયા કારણો સર ફેલાયો તેનું કારણ હજુ મળ્યું નથી. તો પ્રાથમિક દ્રષ્ટિએ ગામમાં દુષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો છે. આજે મંગળવારે રતનપુર ગામે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ દોડી આવી મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ રજૂઆતો પણ કરી હતી અને ધારાસભ્યએ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. 

ગામમાં હાલ વહીવટીદાર નીમાયેલા હોવાથી ગામન માજી સરપંચ ફીરોજ ખાને જણાવ્યું કે, બે દિવસથી આ પરિસ્થિતિ છે અમે તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ગામમાં તપાસ હાથ ધરી છે. પરંતુ ક્યાં પાણીની લાઈનમાં લીકેજ સામે આવ્યું નથી. ગામના ૮૦ ટકા લોકો બહારથી બોર, આર ઓનુ પાણી પીવે છે. તે પણ ઝાડા ઉલટીના વાવળમા સપડાયા છે. હાલ સુધી ગામમાં ૩ વ્યક્તિઓના શંકાસ્પદ મોત થયા છે. અને ૧૪૦ કેસો ઝાડા, ઉલ્ટીના સામે આવ્યા છે. પાણીનો પ્રોબ્લેમ નથી, તેમ જણાવ્યુ છે. તો એક સ્વેચ્છીક સંસ્થાએ ખેડા સિવિલ હોસ્પિટલના અધિક્ષકને લેખીત રજુઆત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં રતનપુર ગામે ફાટી નીકળેલા રોગચાળામાં ૭૦૦ વ્યક્તિઓ અસરગ્રસ્ત થયાના આક્ષેપ છે. આ ઉપરાંત ૩ વ્યક્તિઓના મોત થયના આક્ષેપો કર્યા છે.

દવાખાના દર્દીઓથી ઉભરાયા, સ્વજનોની ભારે ભીડ જામી

ખેડાઃ ખેડા સિવિલ સબ હોસ્પિટલમાં સારવાર માટે દરરોજ મોટી સંખ્યામાં  દર્દીઓ આવે છે. આ સાથે તાજેતરમાં ખેડા શહેર અને રતનપુર ગામે ઝાડા ઉલટીના કેસના દર્દીઓનો વધારો થતા હોસ્પિટલના વોર્ડ  દર્દીઓથી  ખીચોખીચ ભરાઈ ગયા હતા. અને દર્દીઆની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હતો આવા સમયે સવારે હોસ્પિટલમાં દર્દીઓ અને સગા સબંધીઓનો રાફડો ફાટયો હોય અને લોકમેળા જેવી ભીડ જોવા મળતી હતી.

વાહનો પણ ઠેર ઠેર પાર્ક કરેલ દેખાતા હતા. આજે વધુ ૨૭ બાળકો એડમિટ કરાયા હતા સાથે ઉપરના માળે તથા વધારા ના બેડ માં ૨૫ દર્દીઓ અને જનરલ વોર્ડ માં નીચે ના માળે ૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. માતર ના ધારાસભ્ય કલેશભાઈ પરમારે રતનપુર ગામ અને ખેડા સિવિલમાં અસરગ્રસ્તો અને તેમના પરિવારજનો ની મુલાકાત લીધી હતી. આ સાથે બપોરે હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, ટી ડી ઓ ખેડા એ પણ રૂબરૂ જાણકારી મેળવી હતી. ગ્રામજનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ માં કુલ ત્રણ શંકાસ્પદ મૃત્યુ થયા છે. 

 ગઈ કાલે બીમાર દર્દીઓને સારવાર અપાયાનો  આંકડો ૧૪૬ હતો, આજે નવા કેસ વધુ ૧૭૨ આવ્યા હતા જે પૈકી બોટલ ની જરૂરિયાત વાળા ૧૭ દર્દીઓનેે પ્રાથમિક કન્યા શાળામાં તાત્કાલિક વોર્ડ બનાવી સારવાર અપાઈ હતી. અને ત્રણ દર્દી ને વધુ સારવાર માટે ખેડા ખસેડાયા છે. આજે આરોગ્ય ની ૧૧ટીમ ગામમાં ૭૨૯ ઘરોમાં ફરી, અંદાજિત  ૩૦૦૦ જેટલા  નાગરિકો નો સર્વે તપાસ કરાઈ હતી.

પરીસ્થિતિ કાબુમાં છેઃ આરોગ્ય અધિકારી

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એ. ધ્વે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે હાલ પરીસ્થિતિ કન્ટ્રોલમાં છે. પાણીના લીધે ગામમાં રોગચાળો ફેલાયો છે. હાલ ગામમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ૨૪ કલાક સારવાર મળી રહે તેવા પ્રયાસો ગામમાં જ હાથ ધરાયા છે. તો બીજી તરફ ૩ શંકાસ્પદ મોત મામલે પુછતા તેમણે આ બાબતે કહ્યું કે એક વ્યક્તિનું મોત ઝાડા ઉલ્ટીના કારણે થયું છે. અન્ય બે વ્યક્તિઓના સમાચાર મળ્યા છે પણ તપાસ ચાલુ છે. જે વ્યક્તિનું ખેડા સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું તેને ડાયરીયા હતા અને ડાયાબિટીસની પણ બીમારી હતી. અત્યાર સુધીમાં ૨૦૦ કેસો ઝાડા ઉલટીના આ ગામમાંથી બહાર આવ્યા છે.

Gujarat