નડિયાદના સંતરામ મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
- ખેડા જિલ્લાના તીર્થધામોમાં ભક્તો ઉમટી પડયા
- ગુરૂપૂર્ણિમાની મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ, ભક્તિમય માહોલ સર્જાયો
નડિયાદ : નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂણમાના પવિત્ર દિવસે ડાકોર રણછોડરાયજી મંદિર અને નડિયાદ સંતરામ મંદિર સહિત ફાગવેલ અને અન્ય તીર્થધામોમાં ભક્તોનુ સવારથી જ ઘોડાપૂર ઉમટયું હતુ. ભક્તોએ મંદિરના ધામમાં ભગવાનના દર્શન કરી અને ગુરૂના પૂજન, અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
ખેડા જિલ્લામાં રવિવારે ગુરૂપૂણમા મહોત્સવની ઉજવણી ભારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. નડિયાદ સંતરામ મંદિર, માઇમંદિર, અંબાઆશ્રમ, સહિત અનેક નાના મોટા મંદિરો, ગુરૂગાદી તથા આશ્રમોમાં ગુરૂપૂણમા નિમિત્તે મોટી સંખ્યામાં ગુરૂભક્તો ઉમટીને શ્રધ્ધાપૂર્વક ગુરૂની પૂજાઅર્ચના અને આર્શીવાદ મેળવ્યા હતા.
નડિયાદ શહેરમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પાદુક પૂજન અને ગુરૂવંદના કરવા હજારો ભક્તો ઉમટી પડયા હતા આ સાથે શહેરના કોલેજ રોડ પર આવેલ અંબાઆશ્રમમાં ગુરૂપાદુકા પુજન કરવામાં આવી હતી. મંદિરના અંબાપ્રસાદ મહારાજનું માઈભક્તો દ્વારા ગુરૂપુજન કરવામાં આવ્યું હતું. મહારાજ ઉપસ્થિત સૌ માઈભક્તોને આર્શીવચન પાઠવ્યા હતા.
આ સાથે નડિયાદ શહેરના માઈ મંદિર, ડાકોર રોડ પર આવેલ બ્રહ્નષ સંસ્કાર ધામમાં પણ ગુરૂપૂણમા નિમિત્તે ગુરૂપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદ શહેરના સંતરામ મંદિરમાં ગુરુપૂણમા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. સવારે ૪થી ૫ વાગ્યા દરમિયાન મંદિરના મહંત રામદાસજી મહારાજને મંદિરના સેવકભાઈઓ દ્વારા તિલક કરીને ગુરૂપૂજન કર્યું હતું.
નડિયાદના સંતરામ મંદિર ખાતે આવી ગુરૂગાદી અને સંતરામ મહારાજની સમાધીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ ગુરૂપૂણમા નિમિત્તે ભક્તો યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દર્શને આવી પહોંચ્યા છે. રણછોડજી મંદિર સહિત દંડી સ્વામી મઠ, રામ મિલન દાસજી મંદિર, દાદુરામ મંદિર તેમજ પ્રણામી મંદિર સહિત ૨૦ જેટલી ગુરૂગાદીએ હજારો ભક્તોએ ગુરૂ પૂજન કર્યુ હતુ..રણછોડજી મંદિરમા પણ કાળિયા ઠાકર પોતેજ સમગ્ર સૃષ્ટિના ગુરૂ હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે.