ખેડા જિલ્લામાં સુલેહભંગ કરે તેવા 96 લોકોની અટકાયત

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ખેડા જિલ્લામાં સુલેહભંગ કરે તેવા 96 લોકોની અટકાયત 1 - image


- તહેવારોને લઈ આજથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

- નદી અને કેનાલે તરવૈયાઓને પ્રતિમા સોંપવા પોલીસનો અનુરોધ, 1300 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત

નડિયાદ : ખેડા જિલ્લામાં તા. ૧૬મીએ ઈદે મિલાદ અને તા. ૧૭મીએ ગણેશ વિસર્જનના હતેવારોના લીધે જિલ્લામાં ૧૬૦ શાંતિ સમિતિ અને મહોલ્લા મિટિંગો યોજી હિન્દુ- મુસ્લિમ આગેવાનોને કોમી એકતાના વાતાવરણમાં તહેવારો ઉજવવા સૂચનાઓ અપાઈ છે. તેમજ ગણેશ વિસર્જન વેળાએ નદી કે કેનાલમાં જાતે ઉતરવાને બદલે સ્થળ પર તૈનાત તરવૈયાઓને મૂર્તિઓ આપવા આયોજકોને અનુરોધ પણ કરાયો છે. 

જ્યારે સુલેહભંગ કરે તેવા ૯૬ લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. બે દિવસ સુધી ૪૫ અધિકારીઓની આગેવાનીમાં ૧૩૦૦ પોલીસકર્મીઓ બંદાબસ્તમાં ચાંપતી નજર રાખશે. સોશિયલ મીડિયા પર ખોટી કોમેન્ટ કે પોસ્ટ મુકનાર સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચ ગુનો પણ નોંધશે.

જિલ્લામાં હિંદુ- મુસ્લિમોના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ૧૬૦ જેટલી શાંતિ સમિતિ તથા મહોલ્લા મિટીંગો યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિંદુ તથા મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં એકશન પ્લાન બનાવી જિલ્લામાં નવિન અને અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં તા.૧૬મીએ ઇદે મિલાદનું જુલુસ તથા તા.૧૭મીએ ગણપતિ વિસર્જન હોવાથી ૪૫ પોલીસ અધિકારીઓ તથા ૯૫૦થી વધુ પોલીસકર્મી તથા ૧૨૦૦ જેટલા હોમગાર્ડ, જીઆરડી સભ્યો બંદોબસ્તમાં હાજર રહેશે. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ધાબા પોઈન્ટ દ્વારા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ૩, એસ.ઓ.જી.ની ૩ તેમજ પેરોલ ફર્લોની એક ટીમ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

૧ ક્વીક રીસ્પોન્સ ટીમ તૈનાત રહી ડ્રોન કેમેરાઓનો ઉપયોગ કરી બાજ નજર રાખવામાં આવશે. ૧૬૦ જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી બંદોબસ્તના લાઇવ ફીડ કંટ્રોલ રૂમ ખાતે ઓબઝર્વ કરવામાં આવશે. ૨-વરૂણ, ૧-વજ્ર વાહન બંદોબસ્તમાં ઉપયોગી રહેશે. નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ૩૧૪ સીસીટીવી કેમેરોઓ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવશે. જિલ્લાના સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મમાં મોનીટરીંગમાં ધ્યાને આવેલી વિવાદાસ્પદ કોમેન્ટ- પોસ્ટ કરનાર વિરૂધ્ધમાં ગુનાઓ પણ દાખલ કરવામાં આવશે. ડીજે સીસ્ટમના માલીકોને નિયત અવાજ રાખવા સાથે વિવાદ ઉભો થાય તેવા ગીતો ન વગાડવા પણ ખાસ સુચના આપી છે. અત્યાર સુધીમાં પોલીસે સુલેહભંગ કરે તેવા ૯૬ લોકો સામે અટકાયતી પગલાં લેવામા આવ્યા છે.


Google NewsGoogle News