લઘુમતિ સમાજના 12 શખ્સો સામે ફરિયાદ નોંધાતા અટકાયત
- વસોમાં વિસર્જન યાત્રામાં ઘર્ષણ મુદ્દે
- ડંડા લઈ શોભાયાત્રામાં દખલ કરવાના ઈરાદે અપશબ્દો બોલ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
વસો ગામમાં મંગળવારે ગણેશ વિસર્જન યાત્રા ગામની મુખ્ય જામા મસ્જીદ પાસેથી પસાર થઈ હતી. ત્યારે બંને સમાજના લોકો વચ્ચે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે સ્થળ ઉપર હાજર પોલીસે મામલો થાળે પાડયો હતો. જોકે, મોડીરાત્રે આ મામલે વસો પોલીસ મથકે પંકજભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ૧૨ શખ્સોએ હાથમાં ડંડા લઈ ગણેશજીની શોભાયાત્રા પસાર થતી હોય તેમા દખલ કરવાના ઈરાદે અપશબ્દો બોલ્યા હતા.
આ ફરિયાદના આધારે પોલીસે મકશુદ્દીન ઈમુદ્દીન સૈયદ, ઈમરાનભાઈ હનીફભાઈ વહોરા, એઝાઝભાઈ હનીફભાઈ વહોરા, સાગીરભાઈ યુસુફભાઈ વહોરા, માહિર રસુલભાઈ ઈન્દિરાનગરીવાળો, નદીમભાઈ બાબુભાઈ પાનાર, ફિરોજભાઈ સલીમભાઈ વહોરા, આસિફભાઈ ઉર્ફે ભુરીયો વહોરા, ઈરફાનભાઈ સત્તારભાઈ વહોરા, આફો વહોરા, સલમાન યુસુફભાઈ વહોરા અને સાજીદ યુનુસભાઈ વહોરા (બાકડી) તથા અન્ય દસેક માણસોનું ટોળુ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે તમામ ૧૨ આરોપીઓને રાઉન્ડઅપ કરી પુછપરછ હાથ ધરી છે. આ મામલે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઘટનાની તપાસ માતર પોલીસને સોંપવામાં આવી છે.
તપાસમાં કંઈ સામે આવશે તો કાર્યવાહી થશે : પીઆઈ
આ અંગે તપાસ કરનાર માતરના પીઆઈ જી. એન. પરમારે જણાવ્યું હતું કે, વિસર્જન યાત્રા દરમિયાન બે કોમ વચ્ચે બોલાચાલી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ આરોપીઓની અટકાયત કરી છે. ઈજાગ્રસ્તો અંગે તપાસમાં કંઈ સામે આવશે તો તે અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.