નડિયાદથી વડતાલ, આણંદ સહિત ગામોમાં સીટી બસ સેવા શરૂ કરવા માંગણી
- શટલિયા વાહનનોના ભાડા બમણા થઇ ગયા હોવાથી હાલાકી
- મોટાભાગના ગામોમાં હજુ પણ એસટી બસો પુરતા પ્રમાણમાં શરૂ કરવામાં ન આવતા મુસાફરો પરેશાન
કોરોના મહામારી વધતા સરકાર દ્વારા લોકડાઉન સહિતના નિયંત્રણો જાહેર કર્યા હતા. કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા એસટી બસ તેમજ રેલ્વે સહિત તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં સરકાર દ્વારા એસટી બસો ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
પરંતુ એસટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની બસ સુવિધાઓ પર કાપ મૂકવામાં આવ્યો છે. મોટાભાગના ગામોમાં હજુ પણ એસટી બસો પૂરતા પ્રમાણમાં શરૂ કરવામાં આવી નથી. જેના કારણે શટલિયા તેમજ ખાનગી વાહનચાલકોને ઘી કેળાં થઈ ગયા છે. બીજી બાજુ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાના બહાને શટલીયા રીક્ષા ચાલકોએ ભાડા બમણાં કરી દીધા હતાં.હાલમાં પણ શટલિયા વાહન ચાલકો દ્વારા બમણું ભાડું લેવા છતાં ઘેટા બકરાની જેમ મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. આ બધા કારણોસર ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ત્યારે અગાઉ આણંદ શહેરની જેમ નડિયાદ વિસ્તારમાં સીટી બસો શરૂ કરવામાં આવતાં મુસાફરોને ઘણી રાહત થઈ હતી.આ સીટી બસસેવાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.બાદમાં કોઈ કારણોસર નડિયાદ થી દોડતી સીટી બસો બંધ કરવામાં આવી હતી. ત્યારે મુસાફરોને પડતી હાલાકી નિવારવા નડિયાદ વડતાલ, નડિયાદ આણંદ,નડિયાદ બાંધણી, નડિયાદ થી દંતાલી,બામરોલી, વસો,દેવા હાથજ, નવાગામ, વાલ્લાં તેમજ નડિયાદ આણંદ સહિતની સીટી બસો શરૂ કરવા પ્રબળ માંગણી ઉઠવા પામી છે.